રાત્રે બાઈક પાર્ક કરીને ગયો વ્યક્તિ, સવારે આવીને જોયું તો નવો નક્કોર રસ્તો બની ગયો પરંતુ બાઇકના બંને ટાયર રસ્તામાં ઘુસી ગયા, જુઓ વીડિયો

દેશમાં ઘણી જગ્યાએ આજે પણ ખરાબ રસ્તા છે અને ઘણી જગ્યાએ રસ્તા બનાવવાનું કામ પુરજોશમાં ચાલતું હોય છે, ઘણીવાર તો એવું પણ બનતું હોય છે કે આપણે જે રસ્તા ઉપરથી રાત્રે પસાર થયા હોય અને સવારે પાછા આવીએ તો એ રસ્તો બનીને તૈયાર થઈ ગયો હોય, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવી ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેણે સોશિયલ મીડિયા યુઝર્સના હોંશ ઉડાવી દીધા છે.

તમિલનાડુમાંથી રોડ બનાવવાનો એવો મામલો સામે આવ્યો છે, જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છે “આવું માત્ર ભારતમાં જ થઈ શકે છે!” વાસ્તવમાં અહીં વેલ્લોરમાં સિમેન્ટ રોડ બનાવવામાં આવી રહ્યો હતો. બાંધકામ કામદારો રસ્તાના નિર્માણ દરમિયાન વચ્ચે આવતી વસ્તુઓને દૂર કરે છે.

ઉદાહરણ તરીકે, રસ્તાનો કચરો, પથ્થરો અને વાહનો વગેરે. પરંતુ અહીં બાંધકામ મજૂરોએ રોડની સાઈડમાં પાર્ક કરેલી મોટરસાઈકલને હટાવીને રોડ ન બનાવ્યો અને તેના જ પરિણામે વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઇ ગયો ! અહેવાલો અનુસાર, આ ઘટના ગાંધી રોડ નજીક કાલીઅમ્મન કોઈલ સ્ટ્રીટ પર બની હતી. જ્યાં ‘વેલ્લોર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન’ (VCMC) સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ કોંક્રિટ રોડ બનાવી રહી હતી.

‘ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ મુજબ, વાહનના માલિક એસ મુરુગને હંમેશની જેમ એક દુકાનની બહાર મોટરસાઈકલ પાર્ક કરી હતી. ન તો બાંધકામના કામદારોએ તેને રસ્તાના બાંધકામ વિશે જાણ કરી કે ન તો બાઇક હટાવવાનું કહ્યું. મુરુગને કહ્યું, “અમે 11 વાગ્યા સુધી ત્યાં હાજર હતા પરંતુ કોઈએ અમને તેની જાણ કરી. સવારે હું બાઇક જોવા આવ્યો ત્યારે હું સ્તબ્ધ થઇ ગયો. તેઓએ નજીકની ડિસ્ચાર્જ ચેનલ (ગટર) પણ બંધ કરી દીધી. હવે વરસાદનું પાણી કેવી રીતે જશે?’

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બાઇક મધ્ય સ્ટેન્ડ પર ઉભી છે, જેના પૈડા અને સ્ટેન્ડ થોડા ફૂટ સુધી સિમેન્ટમાં ધસી ગયા છે. આવી સ્થિતિમાં, બાઇકને તેની જગ્યાએથી હટાવવુ તો દૂર, તેને ખસેડવું ખૂબ મુશ્કેલ બની ગયું. બાદમાં વેલ્લોર કોર્પોરેશનના કમિશનર અશોક કુમારે રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું અને વાહનને બહાર કાઢવામાં આવ્યું હતું. આ પછી રોડ પેચઅપની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ તે સ્પષ્ટ નથી.

Niraj Patel