દીકરીનું એડમિશન કરાવવા ગયા પિતા, આધાર કાર્ડમાં “મધુ કા પાંચવા બચ્ચા” લખેલુ જોઈને ચોંકી ગઈ ટીચર

વર્તમાન સમયમાં આધાર કાર્ડને મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે. દરેક જગ્યાએ તેની જરૂર પડે છે. તેથી ભારતના દરેક લોકો પાસે આધાર કાર્ડ તો હોય છે. જો કે આ સમયે એક અનોખુ આધાર કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. કારણ કે આ આધાર કાર્ડમાં એવી ભૂલ કરવામાં આવી છે જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. આ ઘટના ઉત્તર પ્રદેશના બદાયુ વિસ્તારની છે. આ આધાર કાર્ડની તસવીર જોયા બાદ તમે જ કહેશો કે તેને બનાવવામાં કેટલી બેદરકારી રાખવામાં આવી છે.

જો કે આ કેસ ત્યારે સામે આવ્યો જ્યારે બાળકના માતા પિતા બાળકનું એડમિશન કરાવવા શાળાએ ગયા. આ અંગે અધિકારીએ જણાવ્યું કે, તે બાળકને શાળામાં એડમિશન ન મળ્યું કારણ કે તેના આધારકાર્ડમાં તેના નામની જગ્યાએ “મધુ કા પાંચવા બચ્ચા” (Baby Five of Madhu)લખેલું હતું. આ ઉપરાંત આધાર કાર્ડમાં આધાર નંબર પણ લખેલો ન હતો.

જો કે આ દરમિયાન કોઈકે આ આધાર કાર્ડની તસવીર મોબાઈલમાં ખેંચી લીધી અને હવે તે સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહી છે. જો કે આ અંગે એ સ્પષ્ટ નથી થયું કે આધાર કાર્ડમાં બાળકીના નામની જગ્યાએ મધુ કા પાંચવા બચ્ચા કેવી રીતે લખવામાં આવ્યું. આધાર બનાવતા સમયે આ ભૂલ કેવી રીતે થઈ તેની તપાસ ચાલી રહી છે.

આ ઘટના શનિવારે ત્યારે ચર્ચાનો વિષય બની જ્યારે બિલસી તાલુકાના ગામ રાયપુરના રહેવાસી દિનેશ પોતાની દીકરી આરતીનું એડમિશન લેવા પ્રાથમિક શાળામાં ગયો. અધિકારીએ જણાવ્યું કે, એક શિક્ષિકાએ તેને શાળામાં એડમિશન આપવાની મનાઈ કરી દીધી. શિક્ષિકાએ દિનેશને આધારકાર્ડ સુધારવા કહ્યું.

આ વાયરલ થયેલી તસવીર અંગે જિલ્લાધિકારી દીપા રંજને કહ્યું, પોસ્ટ ઓફિસ અને બેંકોમાં આધાર કાર્ડ તૈયાર કરવામાં આવે છે. મોટી બેદરકારીના કારણે આ ભૂલ થઈ છે. અમે બેંક અને પોસ્ટ ઓફિસના અધિકારીઓને સતર્ક કરીશું અને આ પ્રકારની બેદરકારીમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, જો આધાર કાર્ડના નામના સ્પેલિંગમાં કોઈ ભૂલ છે અથવા લગ્ન બાદ મહિલાઓ પોતાની અટકમાં ફેરફાર કરવા માગે છે તો તે ફેરફાર કરી શકે છે. UIDAI દ્વારા ઓનલાઈન અથવા ઓફલાઈન બન્ને રીતે ફેરફાર કરવાનો વિકલ્પ આપવામાં આવે છે. પરંતુ નામ અપેડટ માત્ર બે વખત જ કરી શકાય છે.

YC