લાઈવ મેચમાં કપ્તાન બાબર આઝમે કરી એવી મોટી ભૂલ કે સજા ભોગવવી પડી આખી પાકિસ્તાનની ટીમને, જુઓ

IPL પૂર્ણ થયા બાદ હવે ક્રિકેટ રસિયાઓની નજર વર્લ્ડ ક્રિકેટ ઉપર અટકી છે અને વિવિધ દેશોની શ્રેણીઓ પણ શરૂ થઇ ગાઈ છે ત્યારે વેસ્ટ ઈન્ડિઝ સામે ચાલી રહેલી શ્રેણીમાં પાકિસ્તાનનું શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. સુકાની બાબર આઝમના શાનદાર ફોર્મના કારણે યજમાન ટીમ શ્રેણીમાં પ્રભુત્વ જમાવી રહી છે. પરંતુ બીજી વન-ડે મેચમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે એક મોટી ભૂલ કરી, જેના કારણે આખી ટીમને નુકસાન સહન કરવું પડ્યું.

હકીકતમાં જ્યારે પાકિસ્તાનની ટીમ ફિલ્ડિંગ કરી રહી હતી, ત્યારે બાબર આઝમે વિકેટકીપર મોહમ્મદ રિઝવાનના ગ્લોવ્સ લીધા અને બોલ પકડ્યો. પાકિસ્તાની ટીમ માટે આ ભારે પડી ગયું અને ટીમને પેનલ્ટી તરીકે પાંચ રન ગુમાવવા પડ્યા. મુલતાન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં જ્યારે બાબર આઝમે આ કામ કરવાની સાથે જ અમ્પાયરોએ તરત જ તેની ટીમ પર કાર્યવાહી કરી હતી.

આ ઘટના વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગની 29મી ઓવરમાં બની જ્યારે બાબર આઝમ ગ્લોવ્ઝ પહેરીને બોલ કલેક્ટ કરી રહ્યો હતો. ક્રિકેટના નિયમો અનુસાર, વિકેટકીપર સિવાય કોઈ પણ ફિલ્ડર ગ્લોવ્ઝ પહેરીને બોલને કેચ કરી અથવા પકડી શકતા નથી. આ નિયમોનું ઉલ્લંઘન છે. જ્યાં સુધી તે ફિલ્ડરને વિકેટકીપરની જગ્યાએ બદલવામાં ન આવે.

જો કે, બાબર આઝમની આ ભૂલથી પાકિસ્તાની ટીમને બહુ ફરક ન પડ્યો, કારણ કે પાકિસ્તાને આ મેચ ખૂબ જ સરળતાથી જીતી લીધી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 275 રન બનાવ્યા હતા જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝ 155 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાને ત્રણ મેચની શ્રેણીમાં અત્યાર સુધી 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. બંને મેચમાં કેપ્ટન બાબર આઝમ ટીમનો સૌથી મોટો હીરો સાબિત થયો હતો. બાબર આઝમે 2 મેચમાં 180 રન બનાવ્યા છે જેમાં એક સદી અને એક અડધી સદી સામેલ છે.

Niraj Patel