ઘણીવાર એવું થાય છે કે, કોઇ પૂજા સ્થળ અથવા તો ભગવાનને લઇને અલગ અલગ મામલાઓ સામે આવે છે, કેટલીકવાર મૂર્તિ દૂધ પીવા લાગી જાય છે, તો કેટલીકવાર મૂર્તિ અવાજ કરે છે. કેરળના કોઈમ્બતુરમાં પણ એવો જ મામલો સામે આવ્યો હતો. જ્યાં અયપ્પાની મૂર્તિએ આંખો ખોલી હોવાનો દાવો કરવામાં આવ્યો. કહેવામાં આવ્યુ હતુ કે, ઘી અભિષેક દરમિયાન મૂર્તિએ પોતાની આંખો ખોલી હતી. આ ઘટના કેરળના કોઈમ્બતુરની છે.
એક અહેવાલમાં પીટીઆઈએ કથિત વિડિયો અને તેના પર લોકો દ્વારા કરવામાં આવેલા દાવાને ટાંક્યો હતો કે, અહીં સ્થિત મણિકંદસ્વામી મંદિરમાં પૂજા થઈ રહી હતી. આ પૂજામાં 40મી વાર્ષિક પૂજા માટે 3000થી વધુ ભક્તો એકઠા થયા હતા અને આ દરમિયાન અયપ્પા સ્વામીની મૂર્તિ પર ઘીનો અભિષેક શરૂ થયો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, મૂર્તિની આંખો ખુલી અને પછી ફરીથી બંધ થઈ ગઈ. જ્યારે ભક્તોએ વિશેષ પુષ્પાંજલિ સાથે રિવાજ મુજબ ઘીનો અભિષેક શરૂ કર્યો, ત્યારે આ બન્યુ હતુ.
ત્યાં હાજર કેટલાક લોકોએ આનો વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયોમાં કથિત રીતે ભગવાન અયપ્પાની મૂર્તિને અભિષેક દરમિયાન પોતાની આંખો ખોલતી અને બંધ કરતી બતાવવામાં આવી રહી છે. લોકોનો દાવો છે કે જે લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો તેમણે જોયું કે આંખો ખુલે છે અને બંધ થાય છે. આવું ચારથી વધુ વખત બન્યું અને જ્યારે લોકોએ આ વીડિયો જોયો ત્યારે વિસ્તારના કેટલાક લોકો કથિત ચમત્કારના સાક્ષી બનવા માટે મંદિરમાં ઉમટી પડ્યા હતા. જો કે, આ દાવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો નથી.