ટીવીના ભગવાન રામે ખરીદી લગ્ઝરી મર્સિડિઝ બેન્ઝ કાર, લોકોને આવી પુષ્પક વિમાનની યાદ, બોલ્યા- પ્રભુ કેવું વાહન લઇ આવ્યા
રામાનંદ સાગરની “રામાયણ”માં ભગવાન ‘શ્રીરામ’ની ક્લાસિક ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલ સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. લાખો લોકો તેમના ટ્વિટર એકાઉન્ટને ફોલો કરે છે. તેઓ ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે અવાર નવાર કંઇના કંઇ પોસ્ટ કરતા રહે છે. હાલમાં તેમણે તેમના ટ્વીટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, તે ખૂબ વાયરલ થઇ રહ્યો છે. તેમણે મર્સિડીઝ બેંજ કાર ખરીદી છે. જ્યારે તેમણે આ કાર ખરીદવાનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો તો તે વાયરલ થઇ ગયો.અરુણ ગોવિલે મર્સિડીઝ બેન્ઝ કાર ખરીદી છે.
આ કાર ખરીદ્યા પછી, તેમણે અને તેમની પત્ની શ્રીલેખા ગોવિલે તેનું કવર હટાવીને તેનું અનાવરણ કર્યું. આ દરમિયાન પોતાના ટ્વિટર પર લગભગ 15 સેકન્ડનો વીડિયો અપલોડ કરીને અરુણ ગોવિલે લખ્યું, ‘ભગવાનની કૃપાથી પરિવારમાં નવું વાહન આવ્યું છે. તમારા બધાની શુભકામનાઓ અપેક્ષિત છે.’ તેમના આ વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં 916Kથી વધારે વ્યુઝ અને 48Kથી વધુ લાઈક્સ મળી છે. એટલું જ નહીં આ વીડિયોને અનેક વખત રીટ્વીટ પણ કરવામાં આવ્યો છે. અરુણ ગોવિલે વીડિયો પોસ્ટ કર્યા બાદ તેમના ફોલોઅર્સ આ ટ્વીટ પર ખૂબ જ ફની કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું, ‘સાહેબ, અમને જૂની કાર આપો.’
અન્ય એક યુઝરે લખ્યું, ‘જય શ્રીરામ. જો કે તમે રથમાં જ સારા દેખાવ છો, પણ કળિયુગ જ બધું છે. અભિનંદન સર’ બીજા એક પ્રશંસકે ટ્વિટ કર્યું, ‘ઓહ ભગવાન, તમે પુષ્પક વિમાનની જગ્યાએ મેડ ઇન જર્મની વાહન લીધું? પ્રભુ, ઓછામાં ઓછું તમારે તમારા ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈતું હતું.’ બીજા યુઝરે લખ્યું, ‘અભિનંદન સર, હું ઈચ્છું છું! તે યુગમાં પણ જો તમારી પાસે આ કાર હોત તો તમારે જંગલમાંથી થઇને શ્રીલંકા ન જવું પડત. જણાવી દઈએ કે રામાયણ 1990ના દાયકામાં પહેલીવાર ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. તે દરમિયાન આ શો સુપરહિટ સાબિત થયો હતો.
प्रभु कृपा से परिवार में नए वाहन का आगमन हुआ है। आप सब की शुभकामनाएं अपेक्षित हैं। pic.twitter.com/2JEjlZzbOA
— Arun Govil (@arungovil12) June 6, 2022
જ્યારે દૂરદર્શન પર રામાયણનું પ્રસારણ થતું હતું ત્યારે રસ્તાઓ પર કોઇ પણ ફરકતુ જોવા મળતુ ન હતુ અને દુકાનો પર ગ્રાહકો પણ ઉપલબ્ધ રહેતા નહોતા. આ સિરિયલમાં અરુણ ગોવિલે પ્રભુ શ્રી રામનો રોલ કર્યો હતો, અને સુનિલ લહેરીએ લક્ષ્મણનો રોલ કર્યો હતો તેમજ દીપિકા ચીખલિયાએ માતા સીતાનો રોલ પ્લે કર્યો હતો. આટલા વર્ષો વીતી ગયા છતાં આજે પણ લાખો લોકો ત્રણેયને એટલી જ શ્રદ્ધાથી યાદ કરે છે. ઉલ્લેખનીય છે કે, અરુણ ગોવિલે ઘણીવાર ખુલાસો કર્યો છે કે રામાનંદ સાગરની રામાયણમાં શ્રી રામની ભૂમિકા નિભાવ્યા બાદથી લોકો તેમને તેમના અસલી નામની જગ્યાએ રામ સમજી આસ્થા રાખે છે. આ કારણે ઇન્ડસ્ટ્રીમાં તેમને કોઇ બીજુ કામ ન મળી શક્યુ.