આ વ્યક્તિને પહેલા ખાસ મિત્ર સારસથી કર્યો અલગ, હવે વન વિભાગે FIR દાખલ કરીને નોટિસ પણ મોકલી દીધી… જાણો સમગ્ર મામલો
આજના સમયમાં મોટાભાગના માણસો પોતાના ઘરમાં પાલતુ પ્રાણીઓ રાખતા હોય છે અને તેની સાથે સમય વિતાવ્યા બાદ તે ક્યારે પરિવારના સભ્ય બની જાય છે તેની કોઈની જાણ પણ નથી હોતી. ત્યારે આવા જ એક વ્યક્તિની કહાની હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ ચર્ચામાં છે. જેમાં એક વ્યક્તિએ સારસનો જીવ બચાવ્યો અને પછી બંનેની ગાઢ મિત્રતા થઇ ગઈ.
ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાનો આરીફ ગુર્જર એક સારસનો જીવ બચાવીને તેની સાથે દોસ્તી કર્યા બાદ સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહેતો હતો. તેની સારસ સાથેની મિત્રતા એટલી ગાઢ થઈ ગઈ કે ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવ પણ સારસને જોવા પહોંચી ગયા. હવે લાગે છે કે આરીફે સારસ સાથે મિત્રતા કરીને ભૂલ કરી છે. આરિફ વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.
આટલું જ નહીં, વન વિભાગે આરિફને નોટિસ મોકલીને તેને હાજર થવા અને તેનું નિવેદન નોંધવા જણાવ્યું છે. આરીફ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. અમેઠીના સબ ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર વતી આરિફને નોટિસ પણ મોકલવામાં આવી છે. આરીફ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં આરીફના મિત્ર સારસને કાનપુરના પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવ્યું છે.
આરીફ ઓગસ્ટ 2022માં આ સારસને મળ્યો હતો. ત્યારે તે ઘાયલ થયું હતું. જ્યારે આરીફે તેનો જીવ બચાવ્યો તો તે આરીફના પરિવાર સાથે રહેવા લાગ્યું. કેટલાક ઈન્ટરવ્યુમાં આરિફે જણાવ્યું કે આખો દિવસ ફર્યા પછી પણ તે ફરી ઘરે પાછો ફરતો. આરિફે એમ પણ કહ્યું કે તે ન તો તેને ક્યાંય બંધ કરે છે અને ન તો તેને ક્યાંય બાંધવાનો પ્રયાસ કરે છે. તે સારસનો પ્રેમ છે કે તે આરિફની આસપાસ રહે છે.
View this post on Instagram
આરિફ અને સારસના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. વીડિયોમાં જોવા મળ્યું હતું કે આ સારસ બાઇક પર સવાર આરિફ સાથે ઉડે છે. હાલમાં જ વન વિભાગની ટીમ આરીફના ઘરેથી સારસને ઉપાડી ગઈ હતી. પહેલા તેને સમસપુર પક્ષી અભયારણ્યમાં રાખવામાં આવ્યો હતો. હવે તેને કાનપુરના પ્રાણી સંગ્રહાલયમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો છે.