ક્રિકેટ રમતાં રમતાં વધુ એક યુવાન ઢળી પડ્યો:અરવલ્લીમાં ક્રિકેટ રમતાં 20 વર્ષીય પર્વ સોનીનું હાર્ટએટેકથી મોત; જવાનજોધ છોકરાનું મૃત્યુ થતા પરિવાર પર આભ ફાટી પડ્યું
Aravalli Heart Attack News : છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે અને આ સિલસિલો હજુ પણ યથાવત છે. કેટલીકવાર ક્રિકેટ રમતાં રમતાં તો કેટલીકવાર જીમમાં એક્સરસાઇઝ કરતા તો કેટલીકવાર ચાલતા ચાલતા અથવા તો લગ્નમાં ડાંસ કરતા કરતા હાર્ટ અટેકથી મોત થવાના કિસ્સાઓ સામે આવે છે,
ક્રિકેટ રમતી વખતે આવ્યો 20 વર્ષના યુવાનને હાર્ટ એટેક
ત્યારે હજુ તો થોડા મહિના પહેલા જ મોરબી જિલ્લા પંચાયતના ગ્રામસેવક ક્રિકેટની પ્રેક્ટીસ કરતા હતા અને આ દરમિયાન જ તેમને હાર્ટ એટેક આવ્યો અને ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું. ત્યારે હાર્ટ એટેકથી મોતની એક ઘટના હાલમાં મોડાસાથી સામે આવી રહી છે. મોડાસા પહેલા મોરબી, રાજકોટ અને સુરતમાં પણ ક્રિકેટ રમતી વખતે ખેલાડીઓનું હાર્ટ એટેકથી મોત થયુ છે.
એકાએક છાતીમાં દુખાવો થયો
મોડાસાના ડીપ વિસ્તારમાં આવેલી ગોવર્ધન સોસાયટીમાં રહેતા અને એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતો પર્વ સોની ગઈકાલે ક્રિકેટ રમવા ગયો અને આ દરમિયાન એકાએક તે છાતીમાં દુખાવો થતા તે ક્રિકેટના મેદાનમાં જ નીચે બેસી ગયો. જો કે, તેને સારવાર અર્થે લઈ જતા પહેલાં જ તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું. ત્યારે પર્વનું અચાનક મોત થતા પરિવાર સહિત સમગ્ર મોડાસા શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું.
પર્વનું મોત હાર્ટ એટેકથી થયું
20 વર્ષીય પર્વને છાતીમાં અચાનક દુખાવો ઉપડ્યો અને મેદાનમાં જ બેભાન થઈ ગયો પછી હાજર સાથીઓએ તેના પરિવારને જાણ કરી અને હોસ્પિટલ લઈ ગયા, પણ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો. તબીબોના જણાવ્યા અનુસાર પર્વનું મોત હાર્ટ એટેકથી થયું હતું.