હજુ પણ ખત્મ નથી થયુ અનંત-રાધિકાનું સેલિબ્રેશન, ધીરુભાઈ અંબાણીની જન્મભૂમિ ચોરવાડમાં અંબાણી પરિવારનો ભોજન સમારોહ

અંબાણી પરિવારમાં છેલ્લા ઘણા દિવસોથી જશ્નનો માહોલ છે, મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો સૌથી નાનો પુત્ર અનંત અંબાણી તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યો છે. આ પહેલા બંનેના પ્રી વેડિંગ ફંક્શન્સ યોજાયા. 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં યોજાયેલ ત્રિદિવસિય સેરેમની માટે દેશ-વિદેશની જાણિતી હસ્તિઓ ઉપરાંત બોલિવુડ અને હોલિવુડ સેલેબ્સે પણ હાજરી આપી હતી.

આ પહેલા જામનગરમાં 50 હજારથી વધુ લોકો માટે અંબાણી પરિવાર દ્વારા ભોજન સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સમયે અંબાણી પરિવારે ગામ લોકોને પોતાના હાથે ભોજન પીરસ્યુ હતુ. ત્યારે હજુ પણ અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્ન પૂર્વે પ્રી વેડિંગ સમારોહનો અંત નથી થયો. જામનગર બાદ ગત રોજ ધીરુભાઈ અંબાણીના જન્મ સ્થળ ચોરવાડમાં ભોજન સમારંભનો કાર્યક્રમ અંબાણી પરિવાર દ્વાર રાખવામાં આવ્યો હતો.

કોકીલાબેન અંબાણી અને અનંત-રાધિકા આ દરમિયાન હાજર રહ્યા હતા. સમગ્ર અંબાણી પરિવારે ગ્રામમજનોને ભાવપૂર્વક ભોજન કરાવ્યુ હતુ અને ચોરવાડની જન્મભૂમિના વખાણ કર્યા હતા. અંબાણી પરિવાર માટે આજે પણ ધીરૂભાઇ અંબાણીની જન્મભૂમિ ચોરવાડ ખાસ મહત્વ ધરાવે છે. 70 વર્ષ પહેલા 12 માર્ચ 1954ના દિવસે ધીરુભાઈ અંબાણી અને કોકીલાબેનના લગ્ન ચોરવાડમાં થયા હતા.

જોગાનુંજોગ અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ પ્રસંગે પણ ભોજન સમારંભ 12 માર્ચે જ યોજાયો અને કદાચ આ કારણે જ ખુદ કોકીલાબેન અંબાણી ચોરવાડમાં સ્વયં ઉપસ્થિત રહ્યા હતા અને ગામ સમસ્તને અનંત-રાધિકાના લગ્ન પ્રસંગે ભોજન સમારોહમાં આમંત્રિત કરીને ખૂબ જ હોશભેર તમામ લોકોને ભોજન કરાવ્યુ હતુ.

પ્રી વેડિંગ જમણવારમાં ખાસ ચોરવાડ ખાતે પહોંચેલા રાધિકા અને અનંત અંબાણીની સાથે કોકીલાબેન અંબાણી અને જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા તેમજ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન અનંતે ચોરવાડની યાદોને ખૂબ જ ભાવ સાથે વાગોળી અને ગ્રામજનો તેને અનં રાધિકાને આશીર્વાદ આપે તેવી ઈચ્છા પણ પ્રગટ કરી. આ ઉપરાંત અનંતે ચોરવાડની ભૂમિ આવનારા દિવસોમાં 10 ધીરુભાઈ અંબાણીને જન્મ આપે તેવી ઈચ્છા ગામ સમસ્ત રજૂ કરી હતી.

કોકિલાબેન અંબાણીએ પણ ધીરુભાઈ સાથેના તેમના સંબંધો વાગોળ્યા અને જીવનના અનેક પ્રસંગો કે જે ચોરવાડ સાથે જોડાયેલા છે તેને ખાસ યાદ કરી સમસ્ત ચોરવાડ પંથકની જનતાનો આભાર વ્યક્ત કર્યો અને તેમના આશીર્વાદ માગ્યા.અનંતે કહ્યુ- આ મારા દાદાજીનું ગામ છે, તમે બધા મને અને રાધિકાને તેમજ મારા આખા કુટુંબને આશીર્વાદ આપો. હું અહીં તમારા બધાના આશીર્વાદ લેવા આવ્યો છું. તમે બધા અહીં જમી અમને ખૂબ આશીર્વાદ આપીને જજો.

ચોરવાડ મારા દાદાની જન્મભૂમિ છે. રિલાયન્સમાં જે કંઈ પણ છે તે ચોરવાડના કારણે છે. આગળ તેણે કહ્યુ- મને એક વિચાર આવ્યો છે કે, જેમ એક ધીરુભાઈ ચોરવાડથી ઊભા થયા છે. તેમ આ ગામમાંથી 10 ધીરુભાઈ ઊભા થવા જોઈએ. અહીંના જે બાળકો છે તે ધીરુભાઈથી પ્રેરણા લઈ આગળ વધે. આવનારા 10 વર્ષમાં અહીંથી 10 ધીરુભાઈ ઊભા થવા જોઈએ. એ શક્તિ આ ગામ માં છે. જણાવી દઇએ કે, આ દરમિયાન ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ, ડાયરામાં ખ્યાતનામ કલાકાર કીર્તિદાન ગઢવી, બ્રિજરાજદાન ગઢવી, અલ્પાબેન પટેલે ડાયરાની રમઝટ બોલાવી હતી.

Shah Jina