હાલમાં ગુજરાતમાં ચોમાસાની રમઝટ જામી છે, ચોમાસાની શરૂઆત સાથે જ ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ત્યાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં તો ભારે વરસાદ પડી રહ્યો છે અને આ સાથે અત્યાર સુધી સરેરાશ 27.72 ટકા વરસાદ તો નોંધાઇ પણ ચૂક્યો છે. હજુ તો 25 જૂને ચોમાસું બેઠું ત્યારથી સતત વરસાદ વરસી રહ્યો છે અને હજુ પહેલો રાઉન્ડ પણ પૂર્ણ થયો નથી ત્યાં તો બીજો રાઉન્ડ ક્યારે શરૂ થશે અને કેટલો વરસાદ આવશે તેની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી દીધી છે.
અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, હાલમાં વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદથી નદીઓમાં નવા નીર પણ આવ્યા છે. જો કે, હજુ પણ રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે અને જળાશયોમાં પાણીની આવક વધી રહી છે, પરંતુ આ વહન હજુ પણ ચાલુ રહેશે. 3થી 5 જુલાઈમાં વરસાદ રહેશે અને 7થી 12 જુલાઈમાં વરસાદનો બીજો રાઉન્ડ આવશે. 11થી 12 જુલાઈએ દરિયાકિનારે ભારે પવન ફૂંકાવવાની શકયતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે,
15 જુલાઈથી 20 જુલાઈમાં રાજ્ય સહિત અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે તેવું પણ તેમણે કહ્યુ છે. જુલાઈમાં આવતું વહન અતિ ભારે વરસાદનું છે. જ્યારે 24 જુલાઈથી 5 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે. અંબાલાલ પટેલ અનુસાર, બુધ શુક્રના સંયોગના કારણે ભારેથી અતિભારે વરસાદ રહેશે. આજે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની હવામાન વિભાગે પણ શક્યતાઓ વ્યક્ત કરતી આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, હજુ પણ આગામી દિવસોમાં આ મેઘમહેર ચાલુ રહે એવી શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં રાજયના 200 તાલુકામાં વરસાદ નોંધાયો છે,
સૌથી વધુ વિસાવદરમાં 16 ઈંચ તેમજ જામનગરમાં 11, ભેંસાણમાં અને બગસરામાં 8 ઈંચ, કપરાડામાં 10 ઈંચ, બેચરાજી-ધરમપુર-રાજુલામાં 7 ઈંચ, અંજારમાં 9.5, ખેરગામમાં 9 ઈંચ, ઉપરાંત ચિખલી-ડાંગમાં 6.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢમાં તો 24 કલાકમાં જ 16 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને મેઘ તાંડવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જૂનાગઢની ઓઝત નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને તેને લઇને મટિયાણા ગામમાં પાણી ઘૂસી ગયાં છે. ઓઝત નદીમાં ઘોડાપૂરને કારણે બામણાસા ગામમાં એક મકાન પણ ધરાશાયી થયું હોવાની ખબર સામે આવી રહી છે. જો કે, બીજી બાજુ અંજારના નાગલપર પાસે નદીમાં ઘોડાપૂર આવતાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે.