ટેક ઓફ કરવાની સાથે જ સળગીને તૂટી ગયું વિમાનનું ટાયર, ઘટનાનો લાઈવ વીડિયો આવ્યો સામે, જુઓ પછી કેવી રીતે થયું લેન્ડિંગ ?

વિમાનની યાત્રા એક રીતે સૌથી સુરક્ષિત યાત્રાઓમાંથી એક માનવામાં આવે છે, કારણે વિમાનના અકસ્માત બહુ ઓછા થતા હોય છે, પરંતુ જયારે વિમાન કોઈ દુર્ઘટનાનો શિકાર બને છે ત્યારે અંદર બેઠેલા પેસેન્જરના બચવાના ચાન્સ પણ ખુબ જ ઓછા રહેતા હોય છે. ઘણીવાર પાયલોટની સૂઝ બુઝના કારણે પણ પેસેન્જરના જીવ બચી જતા હોય છે. આવી ઘણી ઘટનાઓ સામે આવી છે, પરંતુ હાલ એક રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં પ્લેનના ટેક ઓફ કરવાની સાથે જ તેના ટાયરમાં આગ લાગી અને તૂટીને નીચે આવી ગયું.

ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર આ ઘટના ઈટાલીના ટેરેન્ટો એરપોર્ટની છે. અહીં એટલાસ એરનું ડ્રીમલિફ્ટર બોઇંગ 747 એરક્રાફ્ટ ઉડાડવાનું હતું. ટેક ઓફ થતાની સાથે જ તેનું મુખ્ય લેન્ડિંગ ગિયર ટાયર પ્લેનથી અલગ થઈ ગયું હતું. કદાચ પ્લેનમાં બેઠેલા સ્ટાફને તરત જ આ વિશે ખબર ન પડી, પરંતુ પછી તેમને આ વિશે કહેવામાં આવ્યું.

પહેલા તો લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ પછી તેનું લેન્ડિંગ એરક્રાફ્ટમાં લગાવેલા અન્ય વ્હીલ્સની મદદથી અમેરિકામાં કરવામાં આવ્યું હતું. બોઇંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કાર્ગો પ્લેને યુએસના ચાર્લ્સટન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. હાલ આ અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું વ્હીલ પડતાની સાથે જ તેમાં આગ પણ દેખાઈ હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્લેનથી અલગ થયેલા ટાયરનું વજન લગભગ 100 કિલો છે. આ ટાયર એરપોર્ટ પાસેના દ્રાક્ષાવાડીમાંથી મળી આવ્યું હતું. અકસ્માતનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ટેકઓફ કરતાની સાથે જ પ્લેનથી અલગ થયા બાદ રનવે પર ટાયર પડતું જોવા મળે છે. વીડિયોમાં પ્લેનમાંથી ધુમાડો નીકળતો પણ જોઈ શકાય છે.

Niraj Patel