9 જુલાઈના વહેલી સવારે લગભગ 7:30 વાગ્યે મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડ્યો અને તેને કારણે પસાર થતી બે ટ્રક, બે પિકઅપ અને એક રિક્ષા સહિતના વાહનો સીધા મહીસાગર નદીમાં ખાબક્યાં. આ ગોઝારી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા હોવાની ખબર છે, જ્યારે 8 થી વધુ લોકોને બચાવી લેવાયા છે.

ગતરોજ 13 મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે આજે વહેલી સવારે NDRFના સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક મૃતદેહ મળી આવ્યો જેને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો છે. હજુ પણ 3-4 લોકો ગુમ હોવાનું કહેવાય છે અને રેસ્ક્યૂ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. આ દુર્ઘટનામાં વડોદરાના મુજપુર ગામના એક જ પરિવારના ત્રણ સભ્યો– પિતા રમેશભાઈ, દીકરો નૈતિક અને દીકરી વૈદિકાએ જીવ ગુમાવ્યા છે.

તેઓ બગદાણા બાધા પુરી કરવા જઈ રહ્યા હતા પણ રસ્તામાં મોત સાથે તેમનો સામનો થયો. જ્યારે ત્રણેયની એકસાથે અંતિમયાત્રા નીકળી, ત્યારે આખું મુજપુર ગામ હિબકે ચડ્યુ હતુ. આ ઘટનાને લઈને પાદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. FIR દરીયાપુરા બસ સ્ટેન્ડ નજીક રહેતા અર્જુનસિંહ માધવસિંહ પઢીયારની ફરિયાદના આધારે નોંધાઈ છે.

પાદરા પોલીસ મથકના પી.આઇ. વી.એ. ચારણ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. FSLની ટીમ દ્વારા બ્રિજના તૂટી પડેલા ભાગોના નમૂનાઓ, મૃતકોના પરિવારજનોના નિવેદનો અને દૃશ્યસ્થળની માહિતી એકઠી કરવામાં આવી રહી છે. અકસ્માત પછી માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા કલેક્ટર અનિલ ધામેલિયા પણ સ્થળ પર પહોંચી તપાસનું નિરીક્ષણ કરી ચૂક્યા છે.

બ્રિજ સાથે જોડાયેલા તમામ ટેન્કરો અને વાહનોના તળિયે જતાં કોઈ રસાયણિક લીકેજ કે પર્યાવરણીય નુકસાન ન થાય, એ માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દ્વારા આજે સવારે સ્થળ મુલાકાત કરવામાં આવી છે. તૂટી પડેલા ભાગને જરૂર પડે તો તોડવાની કાર્યવાહી કરવા માટે કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી છે.