ખબર

7-7 વાર ગ્રીષ્મા વેકરિયાના પરિવાર અને નરાધમ યુવક વચ્ચે થયું હતું સમાધાન, છતાં પરિવારે કરી આ એક ભૂલ અને થઇ ગઈ ગ્રીષ્માની હત્યા

સુરતની અંદર આવેલા કામરેજના પાસોદરા પાટિયા નજીક એક તરફી પ્રેમમાં પાગલ યુવક ફેનિલ દ્વારા ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની છડેચોક હત્યા કરી દેવાનો મામલો ખુબ જ ચર્ચામાં છે. આંખ દેશમાં આ હત્યાના પડઘા પડી રહ્યા છે. આરોપી યુવક છેલ્લા ઘણા સમયથી યુવતીનો પીછો કરી રહ્યો હતો. યુવતીના પરિવાર અને યુવક વચ્ચે ઘણીવાર સમાધાન થવા છતાં પણ યુવકે ગ્રીષ્માની હત્યા કરી દીધી.

આ મામલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ ગ્રીષ્માના પરિવારની મુલાકાત લેવામાં આવી હતી, જેની અંદર ઘણી જ બાબતો પરિવાર દ્વારા જણાવવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું કે આરોપી યુવક ફેનિલ અને ગ્રીષ્માના પરિવાર વચ્ચે 7-7 વાર સેટલમેન્ટ થયું હતું. પરંતુ બદનામીના ડરથી પરિવારે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. આ મામલામાં હવે હર્ષ સંઘવી પણ એક્શન મોડમાં આવ્યા છે અને તેમને પ્રેસ કોન્ફ્રન્સમાં જણાવ્યું હતું કે જો કોઈપણ યુવક યુવતીની છેડતી કરતો હોય કે હેરાન કરતો હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી.

યુવતીના પરિવારજનો દ્વારા આરોપીને ફાંસી થાય તેવી માંગણી કરવામાં આવી રહી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ગ્રીષ્માના પરિવારજનોને આશ્વાસન આપ્યું છે કે ગ્રીષ્માને ન્યાય અપાવીને જ રહેશે. આ ઘટનાની તપાસ માટે અલગ-અલગ ટીમો બનાવી છે. FSLનો રિપોર્ટ 24 કલાકમાં મળી જાય તેવી વ્યવસ્થા કરી છે.

એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ પંકજ ગોયાણીએ ગ્રીષ્મા નંદલાલાલાભાઇ વેકરીયા નામની યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જ જાહેરમાં રહેંસી નાખી હતી. છેલ્લા એક વર્ષથી ફેનિલ ગ્રીષ્માને હેરાન કરતો હતો જેના બાદ પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો. જો કે, તેને ફરી સમજાવવા જતાં ગ્રીષ્માના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું.

ગ્રીષ્માની માતાને હજુ દીકરી આ દુનિયામાં નથી રહી તે અંગની જાણ નથી, તેમને એમ જ કહેવામાં આવ્યું છે કે ગ્રીષ્માની સારવાર ચાલી રહી છે. તો બીજી તરફ ગ્રીષ્માના પિતા નંદલાલ પણ  દીકરીના મોતથી અજાણ છે. તેઓ હાલ આફ્રિકામાં છે અને તેમના આવ્યા બાદ દીકરીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ગ્રીષ્માના પિતા નંદલાલને જાણ કરવામાં આવી છે કે તેમના દીકરાનો અકસ્માત થયો છે.

તો આ મામલે ગ્રીષ્માના ભાઈએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, “તેણે મોટા પપ્પાને પેટના ભાગે ચપ્પુ મારી દીધેલ જેથી હું છોડાવવા જતાં મેં ચપ્પુ પકડી લીધેલ જેથી મને જમણા હાથે ચપ્પુ વાગ્યું હતું. બાદમાં તેણે મારા માથાના ભાગે ચપ્પુ માર્યું હતું. એટલામાં ગ્રીષ્મા અને મમ્મી દોડી આવતાં ફેનિલે મારી બહેનને ગળામાંથી પકડી લઈને ગળા પર ચપ્પુ મુકી દીધું હતું, જેથી મારી બહેન અને અમોએ ઘણી બૂમો પાડી હતી, પણ તેણે મારી બહેનને છોડેલ નહીં જેના કારણે અમે બધા ગભરાઈ ગયેલ હોવાથી કોઈ વચ્ચે પડેલ નહીં. તેણે મારી બહેનનું ચપ્પુ વડે ગળું કાપી નાખેલ અને પોતાના ખિસ્સામાંથી કોઈ ઝેરી પ્રવાહી બહાર કાઢી પી ગયેલ. બાદમાં પોલીસ આવતાં ફેનિલ પોતાના હાથે ચપ્પુ મારવા લાગ્યો હતો.”