હરિયાણાના પંચકુલામાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક જ પરિવારના સાત સભ્યોએ કથિત રીતે ઝેર પીને આત્મહત્યા કરી હતી. મૃતકોમાં એક દંપતી, તેમના ત્રણ બાળકો અને બે વૃદ્ધ સભ્યોનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના સોમવારે રાત્રે 11 વાગ્યા આસપાસ સેક્ટર 27માં બની હતી, જ્યારે બધાના મૃતદેહ એક કારમાંથી મળી આવ્યા હતા. કાર પર ઉત્તરાખંડના દેહરાદૂનનો નંબર હોવાનું જાણવા મળ્યું.
માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને કારમાં હાજર તમામ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હોસ્પિટલમાં છને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે એક સભ્યની હાલત ગંભીર હતી, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાંથી બેની ઓળખ પ્રવીણ મિત્તલ અને તેમના પિતા દેશરાજ મિત્તલ તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પરિવાર ભારે દેવાથી પરેશાન હતો, જેના કારણે તેમણે આ આત્યંતિક પગલું ભર્યું.
ઘટનાની ગંભીરતા જોઈને ડીસીપી હિમાદ્રી કૌશિક અને ડીસીપી કાયદો અને વ્યવસ્થા અમિત દહિયા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મીડિયા સાથે વાત કરતા હિમાદ્રી કૌશિકે કહ્યું કે પ્રથમ દ્રષ્ટિએ આ કેસ આત્મહત્યાનો લાગે છે, પરંતુ તમામ પાસાઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા છે અને કારની શોધખોળ હાથ ધરી છે.
પોલીસની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રવીણ મિત્તલ દેહરાદૂનમાં ટૂર અને ટ્રાવેલનો વ્યવસાય ચલાવતા હતા, જે તાજેતરના સમયમાં ખોટમાં ચાલી રહ્યો હતો. દેવામાં વધારો થવાને કારણે તે માનસિક તણાવમાં હતા. જો કે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખો પરિવાર પંચકુલા કેમ આવ્યો અને અહીં આત્મહત્યા કેમ કરી ? પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે જે ઘર પાસે કાર પાર્ક કરવામાં આવી હતી તેની સાથે તેમનો કોઇ સંબંધ હતો કે શું. આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓ ઘેરા આઘાતમાં છે.
નજીકના લોકોએ કહ્યું કે કાર લગભગ બે કલાક સુધી ત્યાં ઉભી રહી હતી પરંતુ કોઈને ખ્યાલ નહોતો કે આટલું દર્દનાક દ્રશ્ય અંદર છુપાયેલું છે. વહીવટીતંત્રએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.કેટલાક રીપોર્ટ અનુસાર, પ્રવીણ મિત્તલ પરિવાર સાથે પંચકુલાના બાગેશ્વર ધામમાં આયોજિત હનુમાન કથા કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા અને કાર્યક્રમ પૂરો થયા પછી દેહરાદૂન પરત ફરતી વખતે તેમણે સામૂહિક આત્મહત્યાનું આ પગલું ભર્યું.
#WATCH | Panchkula, Haryana | DCP Panchkula Himadri Kaushik says, “We received information that six people have been brought to Ojas Hospital. When we reached here, we found out that they are all dead. Another person was brought to the Civil Hospital, Sector 6; he has also been… pic.twitter.com/2IjADdk3P5
— ANI (@ANI) May 27, 2025