જામનગરમાં ન્હાવા પડેલા 5 લોકો ડૂબ્યા, બે મહિલા સહિત તમામના મોત, હૈયાફાટ રુદન સાથે એક સાથે અંતિમયાત્રા નીકળી
5 died in Jamnagar’s Sapda Dam : ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતે મોતના કિસ્સા સામે આવે છે, જેમાં કેટલીકવાર તો લોકોના પાણીમાં ડૂબી જવાથી મોત પણ નિપજતા હોય છે. ત્યારે હાલમાં જામનગરમાંથી એક કરુણ ઘટના સામે આવી, જેમાં સપડા ગામ નજીક આવેલ સપડા ડેમમાં ન્હાવા પડેલા એક જ પરિવારના ત્રણ સહિત પાંચ લોકો ડૂબી ગયા અને મોતને ભેટ્યા. મૃતકોમાં બે મહિલા, બે પુરુષો અને એક યુવક સામેલ છે.
સપડા ડેમમાં ન્હાવા પડેલ 5 લોકોના મોત
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ, 108 અને પોલીસ કાફલો દોડી ગયો હતો અને પાંચેય મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. જામનગરમાં આવેલ દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગજાનંદ પ્રોવિઝન સ્ટોર ચલાવતા મહેશભાઈ મંગેએ હમણાં થોડા દિવસો પહેલા જ સેકન્ડ કાર ખરીદી અને તેઓ તેમના પત્ની લીનાબેન, દીકરા સિદ્ધ અને બે પાડોશીઓ સાથે સપડા ડેમ ખાતે ફરવા ગયા હતા. ત્યારે આ દરમિયાન જ પાંચેય લોકો ડેમમાં ન્હાવા પડ્યા અને ડૂબી જતાં મોતને ભેટ્યા.
મૃતકોમાં બે મહિલાઓ, બે યુવકો અને એક પુરુષ સામેલ
મૃતક સિદ્ધ મંગે મહેસાણા ખાતે એન્જિનિયરનો અભ્યાસ કરતો હતો અને તે ઘટના બની એના આગલા દિવસે જ મહેસાણાથી જામનગર આવ્યો હતો. ત્યારે તે પરિવાર સાથે નજીકમાં જ આવેલા સપડા ડેમ ખાતે ફરવા ગયો અને ત્યાં ડૂબી જતાં મોતને ભેટ્યો. ત્યારે એક જ ગામના પાંચ લોકો અને એક જ પરિવારના ત્રણ લોકો મોતને ભેટતા સમગ્ર ગામમાં શોક છવાઇ ગયો હતો.
એક જ પરિવારના ત્રણ લોકોના મોત
દુર્ઘટનામાં મોતને ભેટેલા મહેશભાઇના પરિવારના ત્રણ સભ્યો સિવાય અન્ય બે ભોગ બન્યા છે એ બે પાડોશીઓ માતા અને પુત્ર હતા. મહેશભાઇના પાડોશી અનિતાબેન દામા અને તેમનો 10માં ધોરણમાં અભ્યાસ કરતો પુત્ર રાહુલ દામા પણ મોતને ભેટ્યા. ત્યારે એક જ પરિવારના ત્રણ સહિત પાંચ લોકોના મોત થતાં કચ્છી ભાનુશાળી અને સિંધિ ભાનુશાળી પરિવારમાં માતમ છવાયો હતો.
એકસાથે નીકળી અંતિમયાત્રા
જો કે, પાંચેય મૃતકોની અંતિમયાત્રા એકસાથે જ નીકળી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મૃતકોમાં મહેશભાઈ મંગે, લીનાબેન મંગે, સિદ્ધ મંગે અને અનિતાબેન દામા તેમજ રાહુલ દામાનો સમાવેશ થાય છે.