એક માણસની કિંમત ફક્ત આટલી જ? રખડતા ઢોરે અડફેટે લેતા પરિવારના મોભીનું થયું હતું નિધન, જુઓ કેટલું વળતર મળ્યું

ગુજરાત હાઇકોર્ટની સતત ફટકાર બાદ પણ ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. રખડતા ઢોરના કારણે ઘણા લોકો અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે તો ઘણા લોકોના મોત પણ થતા હોય છે, ત્યારે અમદાવાદના ભાવિન પટેલનું પણ રખડતા ઢોરની અડફેટે મોત નીપજ્યું હતું.

ગુજરાતમાં લગભગ પ્રથમ વખત ઢોરની અડફેટે મોત થતા ભાવિન પટેલના મોતને લઈને કૃષ્ણનગર પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ અને ઢોરના માલિક વિરુદ્ધ માનવવધનો ગુન્હો નોંધ્યો હતો. જેના બાદ હાઇકોર્ટમા કડક વલણ બાદ AMC દ્વારા મૃતકના પરિવારજનોને વળતર ચૂકવવાનો નિર્ણય લીધો હતો. ત્યારે હવે AMCએ મૃતકના પરિવારજનોને વળતર રૂપે 5 લાખ રૂપિયા ચૂકવ્યા છે.

આ ઉપરાંત AMC દ્વારા મહિના દરમિયાન કરેલી કામગીરીનું સોગંદનામું પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું કે કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરને અટકાવવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. આ કામ માટે 21 ટીમો કામે લાગી છે અને જે પોઇન્ટ પર વધુ રખડતા ઢોર જોવા મળે છે તે પોઇન્ટ પણ ઓળખી કાઢવામાં આવ્યા છે. 24 ઓગસ્ટથી 11 નવેમ્બર સુધી અમદાવાદ શહેરમાંથી 5,353 ઢોર પકડી લેવામાં આવ્યા છે.

આ ઉપરાંત AMC દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે 3 નવા ઢોરવાડા બનાવ્યા છે અને હજુ બીજા 2 ઢોરવાડા બની રહ્યા છે, આ ઉપરાંત લાંભામાં પણ ઢોરવાડા બની રહ્યા છે. તમને જણાવી દઈએ કે 29 સપ્ટેમ્બરના રોજ ભાવિન પટેલ ઘરેથી ડોક્યુમેન્ટની ઝેરોક્સ કરાવવા બહાર નીકળ્યો હતો ત્યારે જ તેને રખડતા ઢોરે અડફેટે લીધો હતો. જેમાં તેને માથામાં ગંભીર ઈજાઓ થતા બ્રેઈન હેમરેજ થયું હતું અને સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું. તે પરિવારનો મોભી હતી અને તેના નિધન બાદ બે દીકરીઓ અને પત્ની નિરાધાર બની હતી.

Niraj Patel