આરોપીઓ જામીન પર, ગુજરાતને આજે પણ યાદ છે એ દર્દનાક દૃશ્યો, નથી મળ્યો કોઈને ન્યાય
Takshashila Fire Completes 4 Years : આજથી લગભગ 4 વર્ષ પહેલા એટલે કે 24 મે 2019ના રોજ સુરતમાં એક કાળઝાળ ઘટનાએ આખા ગુજરાત સમેત દેશને હચમચાવીને રાખી દીધો હતો. આ ઘટના હતી સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં આગ ફાટી નીકળવાની. જેમાં 22 વિદ્યાર્થીઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. ત્યારે આ ઘટનાને 4 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં બાળકોના વાલીઓ ન્યાય માટે વલખા મારી રહ્યા છે.
આ કેસના 14 જેટલા આરોપીઓને જામીન મળી ગયા છે અને તેઓ જેલમાંથી બહાર આરામથી ફરી રહ્યા છે, અને મૃતક બાળકોના વાલીઓ આજે પણ પોતાના વ્હાલસોયા બાળકોને યાદ કરીને લોહીના આંસુએ રડી રહ્યા છે. ત્યારે હવે સેશન્સ કોર્ટમાં સુનાવણી શરૂ થતા વાલીઓએને ઝડપી ન્યાય મળે તેવી અપેક્ષા પણ લાગી રહી છે.
આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને અત્યાર સુધી આ કેસમાં 3 જજ પણ બદલાઈ ચુક્યા છે, છતાં બાળકોને ન્યાય મળ્યો નથી, સાથે આ કેસમાં 258 સાક્ષીઓમાંથી હજુ માત્ર 93 સાક્ષીઓની જ ચકાસણી કરવામાં આવી છે. ત્યારે આ મામલે ફરિયાદ પક્ષના વકીલ દ્વારા જણાવવામાં આવ્યું કે ભોગ બનેલા બાળકોના વાલીઓની જુબાની હહવે શરૂ થઇ છે.
બાકી રહેલા 165 સાક્ષીઓમાં પાલિકાના અધિકારીઓ, ફાયરના અધિકારીઓ, એફએસએલના અધિકારીઓ અને નજરે જોનારા ઘણા સાક્ષીઓ બાકી છે, જેમની આ આર્કેડમાં દુકાનો આવેલી છે તેમની પણ હજુ જુબાની લેવાની બાકી છે. ત્યારે આ મામલે ફરિયાદ પક્ષના વકીલ દ્વારા જણાવવામાં આવ્યું કે આ સમગ્ર પ્રક્રિયામાં હહજુ પણ દોઢથી બે વર્ષ જેટલો સમય લાગી શકે છે. ત્યારે વાલીઓ પણ પોતાના બાળકોને ક્યારેય ન્યાય મળશે તેની આશા રાખીને બેઠા છે.