ગુજરાત ચૂંટણી પહેલા સુરતમાંથી પકડાઇ 25 કરોડની નોટો, નોટ પર જે લખ્યું એ જોઈને હોંશ ઉડી જશે

સામાન્ય રીતે એમ્બ્યુલન્સનો ઉપયોગ બીમાર કે જરૂરિયાતમંદ લોકોને હોસ્પિટલ લઈ જવા માટે કરવામાં આવે છે, પરંતુ સુરતમાં નકલી નોટો અહી-ત્યાં લઈ જવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ થતો હોવાનું હાલ સામે આવ્યુ છે. ગુજરાતની સુરત પોલીસને એમ્બ્યુલન્સમાંથી 2000 રૂપિયાની નકલી નોટોથી ભરેલા બોક્સ મળી આવ્યા છે. બોક્સમાંથી 25 કરોડ રૂપિયાની નોટો મળી આવી છે. આ નોટો પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના બદલે રિવર્સ બેંક ઓફ ઈન્ડિયા લખવામાં આવ્યુ છે.

જો કે, ફિલ્મના શૂટિંગ માટે લખ્યું હોવાથી પોલીસે પ્રાથમિક તબક્કે જાણવાજોગ ફરિયાદ નોંધી છે અને આગળની તપાસ હાથ ધરી છે. ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં જાહેર સભાને સંબોધી હતી અને સાંજે સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાંથી સમાચાર આવ્યા હતા કે પોલીસે મોટી સંખ્યામાં નકલી નોટો પકડી છે. બે હજારની નકલી નોટો ઝડપાયાના સમાચાર વાયુવેગે ફેલાતા જ સૌ એ જાણવાની કોશિશ કરી રહ્યા હતા કે સમગ્ર મામલો શું છે?

સુરત ગ્રામ્ય પોલીસના કામરેજ પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે અમદાવાદથી મુંબઈ જતી એમ્બ્યુલન્સ નકલી નોટોનો જંગી જથ્થો લઈને જઈ રહી છે. બાતમી મળતાં જ કામરેજ પોલીસ સ્ટેશને હાઇવે પર એમ્બ્યુલન્સને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું.કામરેજ પોલીસ સ્ટેશનની ટીમે હાઇવે પર આવેલી શિવ શક્તિ હોટલ પાસે નાકાબંધી કરીને એમ્બ્યુલન્સને અટકાવી હતી. એમ્બ્યુલન્સ ચાલક હિતેશ પુરૂષોત્તમ કોટડિયા મૂળ જામનગરની એમ્બ્યુલન્સનો પાછળનો દરવાજો ખોલીને તપાસ કરતાં અંદરથી 6 બોક્સ મળી આવ્યા હતા,

જેમાં બે હજાર રૂપિયાના 1290 બંડલ મળી આવ્યા હતા, જે 25 કરોડ 80 લાખ થાય છે. જેના પર દિકરી એજ્યુકેશન ટ્રસ્ટ મોટા વડાલા સુરત લખેલું છે. આ સાથે ગૌ માતા રાષ્ટ્ર માતા પણ લખવામાં આવ્યું છે. આ એમ્બ્યુલન્સમાંથી નકલી નોટોના બંડલ મળ્યાના સમાચાર મળતા જ સુરત ગ્રામ્ય એસપી પોતે કામરેજ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. તેમણે જોયુ કે આ નોટો પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને બદલે રિવર્સ બેંક ઓફ ઈન્ડિયા લખેલું છે

અને માત્ર સિનેમાના શૂટિંગ માટે પણ લખેલ છે. એમ્બ્યુલન્સ ચાલકની વધુ પૂછપરછ ચાલી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ નકલી નોટો ક્યાં જતી હતી? જો તેનો ઉપયોગ ફિલ્મના શૂટિંગમાં કરવાનો હતો તો તે ફિલ્મ કઈ છે અને શૂટિંગ ક્યાં ચાલી રહ્યું છે? આ ઉપરાંત એમ્બ્યુલન્સ દ્વારા નકલી ચલણ કેમ લઈ જવામાં આવતું હતું?

Shah Jina