રાજકોટના 17માં ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજા જીવે છે ખુબ જ શાહી જીવન, તસવીરો જોઈને આંખો પહોળી થઇ જશે

ગુજરાતની ભૂમિ રાજા રજવાડાઓની ભૂમિ છે. સોરઠની ધરતી પર ઘણા બધા રાજા રજવાડા થઇ ગયા અને આજે પણ તેમની ખ્યાતિ દેશ વિદેશમાં વિખ્યાત છે. સાથે જ આજે પણ પરંપરાગત તેમની તાજપોશી થતી રહે છે. ત્યારે ગયા વર્ષે એવા જ એક રાજવી પરિવારના વંશજ રાજકોટના માંધાતાસિંહ જાડેજાની તાજપોશી કરવામાં આવી હતી.

ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહજીની તિલક વિધિમાં ભારતમાં છેલ્લા કેટલાય દાયકાઓથી ના યોજાયેલ રાજસૂજ્ઞ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞ સતત ત્રણ દિવસ સુધી ચાલ્યો હતો. જેમાં દેશભરમાંથી મોટી મોટી હસ્તીઓ પણ ઉપસ્થતિ રહી હતી. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત સંતો મહતો અને અનેક સ્ટેટના ઠાકોર સાહેબે પણ હાજરી આપી હતી.

તિલક વિધિ ગયા વર્ષે 30 જાન્યુઆરીના રોજ વસંત પંચમીના શુભ દિવસ પર કરવામાં આવી હતી. આ પહેલા તેમના પિતા માંહોહરસિંહ જાડેજા જેઓ ગુજરાત રાજ્યના પૂર્વ નાણાં અને આરોગ્ય પ્રધાન પણ હતા તે ઠાકોર સાહેબની પદવી સાંભળી રહ્યા હતા. પરંતુ તેમના નિધન બાદ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા માંધાતાસિંહજીનું રાજતિલક કરવામાં આવ્યું હતું.

આ રાજ પરિવારની નામના વિશ્વભરમા ફેલાયેલી છે. આ પરિવારનો સંબંધ ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચન જેવા બોલીવુડના સુપરસ્ટાર સાથે પણ રહેલો છે. તેમનું જીવન પણ રાજાશાહી ભરેલું છે. અવાર નવાર સામે આવતી તસવીરોમાં તેમનો રજવાડી ઠાઠમાઠ પણ જોવા મળતો હોય છે.

ઠાકોર સાહેબ માંધાતાસિંહનો જન્મ 14 જૂન 1964ના રોજ ઠાકોર સાહેબ શ્રીમનોહરસિંહજી જાડેજા અને રાણી સાહેબ માનકુમારીદેવીને ત્યાં થયો હતો. તેમનો ઉછેર સ્વાભાવિક રીતે રાજપરિવારની રીતભાત અને લાડકોડમાં થયો હતો. તેમનું જીવન તદ્દન સરળ રહ્યું. રાજ પરિવારની ચાલી આવતી પરંપરા અનુસાર તેમનું શિક્ષણ રાજકુમાર કોલેજ રાજકોટમાં થયું હતું ત્યારબાદ કેમિકલ એન્જિનિયરિંગની ડિગ્રી નડિયાદની ધરમસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી તેમણે મેળવી હતી.

માંધાતાસિંહને “કમ્પ્લીટ ફેમિલી મેન” તરીકે સંબોધવામાં આવે છે, રાજકોટ રાજપરિવારના તેમના પૂર્વજોએ જે મૂલ્યો સ્થાપ્યા એની સંપૂર્ણ જાળવણી કરવાના તેમના સંનિષ્ઠ અને સફળ પ્રયાસ રહ્યા છે. પિતાજીના જાહેરજીવન દરમિયાન પરિવારની જવાબદારીની વાત હોય કે પછી ચૂંટણી સમયે પિતાજીના કામમાં સહયોગ આપવાની વાત હોય માંધાતાસિંહ સદા સક્રિય રહ્યા છે. તેમનો સૌમ્ય વ્યવહાર, સૌને માન આપવાની તેમની જીવનશૈલી અને દરેક માટે સન્માનની ભાવના એમના વ્યક્તિત્વને વધુ ઉમદા બનાવે છે.

જ્યારે જ્યારે પણ રાજપરિવારમાં કોઇ પ્રસંગ હોય અને ઘણા બધા નિમંત્રીતો આવવાના હોય ત્યારે પહેલી પંગત સાધુ-સંતોની જ પડતી હોય છે. પછી ગરીબ કે અનાથ બાળકોને ભોજન કરાવવામાં આવે છે અને ત્યારબાદ અન્ય પ્રસંગો શરૂ થાય છે. સંતોને પણ માંધાતાસિંહ અને તેમના પત્ની મહારાણી સાહેબ કાદમ્બરી દેવી પોત ભાવથી ભોજન પીરસે, આ સંસ્કાર એમણે વર્ષોથી જાળવી રાખ્યા છે.

Niraj Patel