વડોદરામાં વધુ એક તથ્ય કાંડ થતા થતા બચ્યો, નશામાં ધુત્ત યુવકે રોન્ગ સાઈડમાં કાર ચલાવી અનેક વાહનો ઉલાળ્યા, 4 ઘાયલ

વડોદરામાં નબીરો ભુલ્યો ભાન, નશો કરીને ગાડી રોન્ગ સાઈડ ચલાવી, સામે આવતા વાહનોને મારી ટક્કર, 4 લોકો થયા ઈજાગ્રસ્ત, લોકોએ ચખાડ્યો મેથીપાક

Youth’s Reckless Driving vadodara : ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ લોકો દારૂ પી અને બેફામ વાહનો ચલાવતા હોય છે અને અકસ્માત સર્જતાં હોય છે. ઘણીવાર આવા અકસ્માતમાં લોકોના જીવ પણ ચાલ્યા જતા હોય છે. આવી ઘટનાઓ બને છે ત્યારે અમદાવાદમાં થયેલ તથ્ય કાંડ યાદ આવી જાય, ત્યારે હાલ વડોદરામાં પણ એક એવો જ તથ્યકાંડ થતા થતા બચી ગયો છે, જેમાં નશામાં ધૂત એક યુવકે રોન્ગ સાઈડમાં કાર ચલાવી ઘણા વાહનો અડફેટે લીધા છે.

રોન્ગ સાઈડમાં ગયો યુવક :

આ બાબતે પ્રાપ્ત માહિત અનુસાર ઘટના વડોદરાના માણેજા ક્રોસિંગ પાસે બની છે. જેમાં એક નશાખોર યુવકે પોતાની કાર રોન્ગ સાઇડમાં ચલાવીને અનેક વાહનો ઉલાળ્યા હતા. આ ઉપરાંત તેને રાહદારીઓને પણ ટક્કર મારી હતી જેમાં 4 લોકો ઘાયલ પણ થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને નજરે જોતા જ આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને કાર ચાલાક યુવકને મેથીપાક ચખાડ્યો હતો. તેના કપડાં પણ ફાડી નાખ્યા હતા.

અનેક વાહનોને મારી ટક્કર :

આ ઘટના અંગે જાણ થતા મકરપુરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ ગઈ હતી, જેનો વીડિયો પણ હાલ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે યુવકને સ્ટેયરીંગ પર કાબુ ના રહેતા કાર ડિવાઈડર ચઢાવી દીધી અને પછી કારણે રિવર્સ લઈને રોન્ગ સાઈડમાં જ બેફામ રીતે દોડાવી હતી. કાર લઈને યુવકને રોન્ગ સાઈડમાં આવતા જોઈને રાહદારીઓમાં પણ ભય ફેલાયો હતો.

નશામાં ભુલ્યો ભાન :

જોત જોતામાં જ યુવકે અનેક ગાડીઓને ટક્કર મારી અને તેમાં ચાર લોકો ઘાયલ પણ થયા. ઘટનાને લઈને રોડ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. આ ઘટના રાત્રે 9.30ની આસપાસ બની હોવાનું કહેવાય છે. યુવક નશો કરેલી હાલતમાં હતો અને તેનું નામ વૈશ મહંમદ સફીક પઠાણ હોવાનું જાણવા મળ્યું હતું. યુવકને જયારે પોલીસે પકડ્યો ત્યારે તે લથડિયાં ખાઈ રહ્યો હતો અને તેના મોઢાના ભાગે ઈજાઓ પહોંચી હોવાનું પણ જોવા મળ્યું. હાલ પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે.

Niraj Patel