સ્લો મોશન ડાંસ કરીને રીલ બનાવતો યુવક કુંડીમાં ખાબક્યો, વીડિયો જોઇ રૂંવાડા ઊભા થઇ જશે

આગ્રાના સર્રાફા બજાર સ્થિત જોહરી પ્લાઝામાં શુક્રવારે એક હૃદયદ્રાવક ઘટના બની, જેમાં રીલ બનાવતી વખતે એક યુવકનું કરુણ મોત નિપજ્યુ. યુવકનું માથું ધડથી અલગ થઈ ગયું હતું, જેના કારણે તેણે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો. આ દુર્ઘટના આગ્રાના નમક મંડીમાં જોહરી પ્લાઝાના ચોથા માળે થઈ, જેણે સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાવી દીધી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મૃતક યુવક પ્લાઝામાં એક સંસ્થામાં કારીગર તરીકે કામ કરતો હતો. તે સ્લો મોશનમાં રીલ બનાવતો હતો અને તે સમયે જ અકસ્માતનો શિકાર બન્યો.

રીલ બનાવતી વખતે યુવક પ્લાઝામાં લગાવેલી જાળી ઉપાડી રહ્યો હતો ત્યારે અચાનક સંતુલન ગુમાવવાને કારણે તે ચોથા માળેથી ત્રીજા માળે પડી ગયો. આ દરમિયાન જાળી તેના પર પડી અને ગરદન પર સીધી વાગી જેના કારણે તેની ગરદન શરીરથી અલગ થઈ ગઈ. ઘટના બાદ અફરા-તફરી મચી ગઈ હતી. જોહરી પ્લાઝામાં હાજર અન્ય લોકો આ અકસ્માત જોઈને ગભરાઈ ગયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

સ્થાનિક પોલીસ પણ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. આ દર્દનાક ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. ઘટના બાદ સ્થાનિક વેપારીઓ અને લોકોમાં ભારે ભય અને રોષ જોવા મળી રહ્યો છે. યુવકના મોતથી ગભરાટનો માહોલ છે અને લોકો આઘાતમાં છે. આ ઘટનાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર રીલ બનાવવાના ખતરનાક ટ્રેન્ડ પર સવાલો ઉભા કર્યા છે.

Shah Jina