વિક્રમ સંવત 2081 : જુઓ 12 રાશિઓનું આવનારું વર્ષ કેવું રહેશે- જાણો તમારું વાર્ષિક રાશિફળ

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

New Year Rashifal: એવું કહેવાય છે ને કે જો નવા વર્ષનો પહેલો દિવસ સારો હોય તો આખું વર્ષ સારુ રહે છે. ત્યારે નવા વર્ષની શરૂઆત લોકો એવી રીતે કરે છે જેના કારણે આખુ વર્ષ સારુ જાય અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય. તો જાણો 12 રાશિના જાતકોનું નવું વર્ષ કેવું રહેશે અને કંઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે. 2 નવેમ્બર 2024ને શનિવારના રોજ ગુજરાતી બેસતું વર્ષ. આ દિવસથી વિક્રમ સંવત 2081ની શરૂઆત થશે.

1. મેષ – અ, લ ,ઈ (Aries): વિક્રમ સંવત 2081ની શરૂઆતમાં ગુરૂ ગોચરમાં વૃષભ રાશિમાં તમારી રાશિથી બીજા ધનમાં ભ્રમણ કરશે જે વેપાર-ધંધા કે નોકરીમાં મોટા ધન લાભ અપાવશે અને યશ-નામ-પ્રગતિ કરાવશે. આ ઉપરાંત કૌટુંબિક ધન પ્રાપ્તિના યોગ રહેશે. 14 મે 2025થી ગુરુ મિથુન રાશિમાં આવતા તમારી રાશિથી ત્રીજા પરાક્રમ સ્થાને રહે છે જે ભાઈ-બહેન સાથે મતભેદો ઊભા કરી શકે છે. નોકરી-ધંધા અથવા ઘર સ્થળાંતરના યોગ બની શકે છે. વર્ષની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં હોવાથી તમારા અગિયારમાં લાભસ્થાને ભ્રમણ કરે છે. જે આર્થિક સુખમાં વધારો કરે. વેપાર-ધંધા કે નોકરીમાં મોટા ધન લાભ આપે. સમાજમાં માન આપે. દરેક કાર્યમાં સફળતા મળે. 29 માર્ચ 2025થી શનિ મીન રાશિમાં આવતા તમારી રાશિથી બારમાં વ્યય સ્થાનમાં આવશે. અહીં તમારે સાડાસાતી પનોતીનો પ્રથમ તબક્કો લોઢાના પાયે માથા પરથી પસાર થાય જે શારીરિક, માનસિક, આર્થિક તકલીફ ઊભી કરે. દરેક જગ્યાએ રૂકાવટો લાવે.

સ્ત્રીઓ માટે: આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાય. વર્ષની શરૂઆતમાં દરેક જગ્યાએ લાભ રહે ત્યારબાદ 29 માર્ચથી શનિ મીન રાશિમાં આવતા દામ્પત્યજીવનમાં અણબનાવ ઊભા કરી શકે. કૌટુંબિક કે આર્થિક તકલીફો આપે પેટને લગતી નાની-મોટી તકલીફો થઈ શકે.

વિદ્યાર્થીઓ માટે: વિદ્યાર્થીઓ માટે આ વર્ષ શરૂઆતમાં સારું રહે. મહેનત પ્રમાણે લાભ મળે પણ માર્ચ 2025થી મધ્યમ પસાર થાય. વિદ્યા પ્રાપ્તિમાં અવરોધો આવે. ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જવાના પ્રયત્નમાં કઠિનાઈઓ આવે જેથી વધુ મહેનત કરવી પડે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):વિક્રમ સવંત 2081ની શરૂઆતમાં વૃષભ રાશિનો ગુરુ તમારી રાશિથી પહેલા દેહ ભાવમાં રહેશે, જે નોકરી-ધંધામાં નાનો-મોટો આર્થિક અવરોધ કે ભય ઊભો કરાવે. ખર્ચ પર કાબુ રાખો. નોકરી-ધંધામાં બહુ મોટા ફેરફાર ના કરવો. તા. 14 મે 2025થી મિથુનનો ગુરૂ તમારી રાશિથી બીજા ઘનભાવે રહેશે. જે આર્થિક બાબતો માટે શુભ બનતો જશે. રોકાયેલા કાર્યો પૂરા થશે કુટુંબમાં વડીલ તરફથી ધન કે સંપત્તિ મેળવવાના યોગ બને. આવશ્યકતા માટે નાણાંની સગવડ સરળતાથી થતી જશે. વર્ષની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં હોય તમારા દસમા કર્મ સ્થાને રહેશે જે નોકરી-વ્યવસાયમાં લાભ આપે. આવકની સ્થિરતા રહે મનની શાંતિ મળે. થોડી વધુ મહેનત ના યોગ બનાવે પણ લાભ મળે. 29 માર્ચ 2025થી શનિ તમારી રાશિથી અગિયારમા લાભ ભાવે રહેશે, જેની તમારા સુખમાં વધારો કરવો. દરેક કામમાં વિલંબ દૂર થાય. સફળતા મળે, શારીરિક નાની-મોટી તકલીફો હોય તે પણ દૂર થાય.

સ્ત્રીઓ માટે: આ વર્ષની શરૂઆત મધ્યમ પસાર થાય. પણ માર્ચ 2025થી ખુબ સારો સમય શરૂ થાય જે દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે દરેક કર્યો માં લાભ આપે

વિદ્યાર્થીઓ માટે: આ વર્ષ શરૂમાં કઠિન ઈતર પ્રવૃત્તિ છોડી અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો લાભ થશે માર્ચ 2025થી સમય સુધરી જશે અને પરિણામ સારું આવશે ઉચ્ચ અભ્યાસના યોગ પણ છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):વિક્રમ સંવત 2081ની શરૂઆતમાં વૃષભનો ગુરુ તમારી રાશિથી બારમાં વ્યય સ્થાને રહે છે. વ્યાધિ અને પીડાના યોગ કરે. જે નોકરી-ધંધામાં સમસ્યા ધન ખર્ચના અનેક યોગો બનાવે. વિના મતલબના કાર્યોમાં ખૂબ ખર્ચ થાય. 14 મે 2025થી મિથુનનો ગુરુ પ્રથમ ભાવમાંથી પસાર થશે. કોઈ ઉતાવળીયો નિર્ણય તકલીફ આપે શારીરિક સમસ્યા પણ આવી શકે. ભાઈ-ભાંડુ સાથે મનદુઃખના પ્રસંગો બની શકે. વર્ષની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં તમારી રાશિથી નવમા ભાગ્યભાવે રહેશે, જે ભાગ્યમાં વિઘ્નો, રૂકાવટો તેમજ વિલંબ કરાવે. વિદેશને લગતા કાર્યોમાં રૂકાવટ થાય. તમારી મહેનતનું ફળ વિલંબ બાદ મળે. વડીલવર્ગને બીમારીના યોગ બને તમારી સહન શક્તિની કસોટી થાય. તા. 29 માર્ચ 2025થી મીન રાશિનો શનિ તમારી રાશિથી દસમા કર્મ ભાવે આવે છે જે રોકાયેલા કાર્યો પૂરા કરશે. ધન લાભ મળવાના યોગ શરૂ થશે જેથી મનને શાંતિ થશે. થોડી વધુ મહેનતના યોગ બનાવે પણ લાભ થાય.

સ્ત્રીઓ માટે: આ વર્ષની શરૂઆત મધ્યમ પસાર થાય માર્ચ 2025થી રોકાયેલા કાર્યો પૂરા થાય. આર્થિક લાભ મળી શકે.

વિદ્યાર્થીઓ માટે: વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાય. આળસના કારણે પરિણામ નબળું આવે મહેનત કરશો તો માર્ચ બાદ સારું પરિણામ મળે.

4. કર્ક – ડ, હ (Cancer):વિક્રમ સંવત 2081ના વર્ષની શરૂઆતમાં કર્કનો ગુરુ તમારી રાશિથી અગિયારમાં લાભ ભાવમાં ભ્રમણ કરશે. વેપાર-ધંધા કે નોકરીમાં આર્થિક રીતે લાભદાયી નીવડે. પ્રગતિ કરાવે. સામાજિક પ્રતિષ્ઠા વધતી જણાય. કૌટુમ્બિક માન મોભો વધતો જણાય. 14 મે 2025 બાદ ગુરૂ મિથુન રાશિમાં ગોચર ભ્રમણ કરતા તમારી રાશિથી બારમા વ્યય ભાવે આવશે. આ બારમે ગુરુ કષ્ટ વ્યાધિ અને પીડા આપે. શારીરિક તકલીફો વધતી જાય. ભાગ્યમાં અડચણો આવે રુકાવટો ઉભી થાય. વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ તમારી રાશિથી આઠમા સ્થાનમાં ભ્રમણ કરશે જે કષ્ટ પીડા અને શારીરિક નાની-મોટી તકલીફો આપે. પડવા-વાગવાના યોગ બને આકસ્મિક જવાબદારીઓ તમારી પરેશાની વધારે. સતત પ્રયત્નશીલ હોવા છતાં તમને યોગ્ય ફળ ન મળે. નુકશાની વધે. દગો ફટકો થાય. યાત્રા પ્રવાસ કષ્ટદાયી નીવડે. સૈયમ પૂર્વક સમય પસાર કરવો. તા 29 માર્ચ 2025થી શનિ મીનનો થતાં તમારી રાશિથી નવમા ભાગ્યભાવે રહેશે જે ભાગ્યવૃદ્ધિમાં વિલંબ કરાવે. નાણાંકીય અવરોધો ઊભા થાય. નોકરિયાત વર્ગને ઉપરી વર્ગ સાથે અણબનાવ બને નહીં તેની કાળજી રાખવી.

સ્ત્રીઓ માટે: આ વર્ષ મિશ્ર ફળદાથી ગણાય. આંતરિક-કૌટુંબિક તેમજ આર્થિક અનેક સમસ્યાઓ ઉદભવે. સંતાન સાથે મતભેદો ઉભા થઇ શકે.

વિદ્યાર્થીઓ માટે: આ વર્ષ થોડું કઠિન કહી શકાય. સારા પરિણામ માટે તમારે કઠોર પરિશ્રમ કરવાની જરૂર જણાય. વિદેશ જવામાં વિલંબ થઈ શકે છે.

5. સિંહ – મ, ટ (Leo):વિક્રમ સંવત 2081ની શરૂઆતથી વૃષભનો ગુરૂ તમારી રાશિથી દસમા ભાવે રહે છે જે આજીવિકા સંબંધી કાર્યોમાં ફેરફાર કરાવે મુસાફરી કે પ્રવાસ કરાવે. નોકરિયાત વર્ગને નોકરીમાં ફેરફાર કે બદલીના યોગ બને. 14 મે 2025થી મિથુનનો ગુરુ તમારી રાશિથી અગિયારમાં લાભ ભાવે આવે છે જે વેપાર-ધંધા કે નોકરીમાં વૃદ્ધિના યોગ બનાવે છે સમાજમાં યશ, નામ, પ્રતિષ્ઠા વધારે. આવકના સાધનો ઊભા થાય. ધન પ્રાપ્તિના યોગ બને. વર્ષની શરૂઆતામાં કુંભનો શનિ તમારી રાશિથી સાતમા સ્થાનમાં રહે છે. લગ્નજીવન ભાગીદારી નોકરીમાં વાદવિવાદથી બચવું. લગ્નમાં વિલંબના યોગ બને. તા. 29 માર્ચ 2025થી મીન રાશિનો શનિ તમારી રાશિથી આઠમા ભાવે ભ્રમણ કરે, જે આરોગ્ય અંગે કષ્ટદાયી ગણાય. શારીરિક તકલીફો વધે. આવકના પ્રમાણમાં ખર્ચનું પ્રમાણ વધે. નોકરિયાત વર્ગે નોકરીમાં સ્થિર રહેવું.

સ્ત્રી વર્ગ માટે: એકંદરે આવકની દ્રષ્ટિએ વર્ષ સારું છે. વાદવિવાદથી દૂર રહેવું. વર્ષના મધ્યથી કાર્ય સફળતાના યોગ બને. રોકાયેલા પ્રશ્નો પૂરા થાય.

વિદ્યાર્થીઓ માટે: આ વર્ષ શરૂઆતથી જ લાભદાયી પુરવાર થાય. અભ્યાસમાં ધીમી ગતિએ સફળતાના યોગ બને. મહેનતથી ધાર્યું પરિણામ મળી શકે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):વિક્રમ સંવત 2081 વૃષભનો ગુરુ વર્ષની શરૂઆતમાં તમારી રાશિથી નવમા ભાવે ભ્રમણ કરશે, જે નોકરી-ધંધા કે વ્યવસાયમાં સફળતાના યોગ બનાવે છે. ભાગ્યોદય થઈ શકે. મોટો ધનલાભ પણ થાય. વિદેશ જવાના યોગ સર્જાય. લગ્નના યોગ બને. સંતાન પ્રાપ્તિના પણ યોગ બને. 14 મે 2025થી મિથુનનો ગુરૂ તમારી રાશિથી દસમા કર્મભાવે આવશે, જે નોકરી-ધંધામાં નાના-મોટા ફેરફાર અને પ્રવાસના યોગ ઊભા કરે. આવકનું પ્રમાણ બધી શકે. જમીન-મકાન પ્રોપર્ટી કે ગાડી પાછળ ખર્ચ થાય. વર્ષની શરૂઆતમાં કુંભ રાશિનો શનિ તમારા છઠ્ઠા રોગ-શત્રુભાવે રહેશે. શનિ આ સ્થાનમાં અનુકૂળ છે. કોર્ટ-કચેરી લડાઈ-ઝઘડા હરીફાઈ વગેરેમાં જીત થાય. મોટો આર્થિક લાભ મળે. શત્રુ પર વિજય પ્રાપ્ત થાય. ધંધાકીય મુસાફરી ના યોગ બને. તા. 29 માર્ચ 2025થી મીન રાશિનો શનિ તમારી રાશિથી સાતમા ભાગીદારી સ્થાનમાં ભ્રમણ કરશે, જેથી લગ્નજીવન નોકરી વગેરેમાં ગેરસમજ ઊભી ન થાય તેની તકેદારી રાખવી. પેટની ગરબડ કે સમસ્યા થઈ શકે. આરોગ્ય સાચવવું.

સ્ત્રીઓ માટે: સ્ત્રીઓ માટે આ વર્ષ ફળદાયી ગણાય. વર્ષની મધ્યથી આરોગ્ય સુધરતું જણાય નોકરી-ધંધા વ્યવસાયમાં લાભ થાય આર્થિક તકલીફો દૂર થાય.

વિદ્યાર્થીઓ માટે: વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું પસાર થાય. મહેનતના પ્રમાણમાં ધાર્યું ફળ પ્રાપ્ત થાય. વિદેશ જવાના યોગ સર્જાય શકે છે. હરિફાઈમાં જીતની પ્રાપ્તિ થાય.

7. તુલા – ર, ત (Libra):વિક્રમ સંવત 2081ના વર્ષની શરૂઆતમાં વૃષભ રાશિનો ગુરુ તમારી રાશિથી આઠમા સ્થાનમાં ભ્રમણ કરશે, જેથી નોકરી-વેપારમાં નુકશાની રૂકાવટ કે આર્થિક-શારીરિક નુકસાનના યોગ બને આરોગ્યનું ધ્યાન રાખવું. મોટા સાહસથી દૂર રહેવું. 14 મે 2025થી મિથુન રાશિનો ગુરુ તમારી રાશિથી નવમા ભાગ્યભાવે આવશે. જે સુખ-સફળતા અને લાભના યોગ ઊભા કરે. ભાગ્યોદય જેવા કાર્યો થાય વિદેશ જવાની ઈચ્છા પૂરી થાય. પારિવારમાં શુભ પ્રસંગો આવે ખૂબ સારા લાભોની પ્રાપ્તિ થાય. વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ તમારા પાંચમા સ્થાનમાં ભ્રમણ કરે છે. જે આર્થિક બાબતે અશુભ પરિણામ આપે. નાની-મોટી નુકશાની થઇ શકે નોકરી-ધંધામાં રૂકાવટ આવે. સંતાનો અંગેના પ્રશ્નો ઉભા થાય. તા. 29 માર્ચ 2025થી મીન રાશિનો શનિ તમારી રાશિથી છઠ્ઠા રોગ-શત્રુસ્થાને આવશે જે દરેક કાર્યોમાં સફળતા અપાવશે. અટકેલા કાર્યો પૂરા થશે. કોર્ટ-કચેરીમાં જીત મળે. આરોગ્યમાં સુધારો થાય. શત્રુ પર વિજય પ્રાપ્ત થાય.

સ્ત્રીઓ માટે: આ વર્ષ શરૂઆતમાં મિશ્ર ફળદાથી ગણાય પરંતુ માર્ચ 2025 બાદ સારો સમય શરૂ થાય જે અટકેલા કાર્યો પૂરા કરે અને સુખ-શાંતિની પ્રાપ્તિ કરાવે.

વિદ્યાર્થીઓ માટે: આ વર્ષની શરૂઆત કસોટીમય ગણાય ખૂબ મહેનત કરવી જરૂરી. આત્મવિશ્વાસ સાથે અભ્યાસ કરશો તો સારું પરિણામ મળશે. માર્ચ 2025થી સમય સારો ગણી શકાય.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):વિક્રમ સંવત 2081ના વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરુ તમારી રાશિથી સાતમા ભાવમાં ભ્રમણ કરતા નોકરી-ધંધામાં લાભ અપાવે. માન-સન્માન, યશ પ્રતિષ્ઠા સાથે કાર્યક્ષેત્રમાં સફળતાના યોગ સર્જાય. અહીં સારું ફળ આપનાર 6 લગ્ન યોગ ઊભા થાય. ઘરમાં માંગલિક પ્રસંગો આવે. 14 મે 2025થી મિથુનનો ગુરૂ તમારી રાશિથી આઠમા સ્થાનમાં આવશે જે શારીરિક તકલીફ આપી શકે. ઘરમાં ક્લેશ ઊભો થઈ શકે. નોકરી-વ્યવસાયમાં આકસ્મિક સમસ્યા થઈ શકે એકંદરે સમય શાંતિથી પસાર કરવો. વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ તમારી રાશિથી ચોથા સુખભાવે રહેશે. નુકશાની અને શત્રુતાના યોગ ઊભા કરે છે. નોકરી-વ્યવસાય અને ઘર-પરિવારમાં વિવાદથી દૂર રહેવું. કોર્ટ-કચેરીથી બચવું નહીં હોય તો નાણાંકીય તકલીફોનો સામનો કરવો પડી શકે છે. શેરશટા જેવા કાર્યોથી દૂર રહેવું. આર્થિક, માનસિક તેમજ શારીરિક તકલીફોનો સામનો કરવો પડે. તા. 29 માર્ચ 2025થી મીન રાશિનો શનિ તમારી રાશિથી પાંચમા સ્થાનમાં રહેશે જે આર્થિક બાબતો માટે અશુભ ગણાય. તેમજ શારીરિક તકલીફો આપી શકે. સંતાનના પ્રશ્નો ઉભા થાય. ખર્ચ પર કાબૂ રાખવો. ધીરજ પૂર્વક સમય પસાર કરવો.

સ્ત્રીઓ માટે: આ વર્ષ સંઘર્ષભર્યું પસાર થાય ઘર પરિવાર કે દાંપત્યજીવનમાં વિવાદોથી દૂર રહેવું. નોકરીમાં ટકી રહેવું. પેટ-આંતરડા કે પાચનની નાની-મોટી તકલીફ થઈ શકે. આર્થિક તંગી રહ્યા કરે. ખર્ચ પર કાબૂ રાખવો.

વિદ્યાર્થીઓ માટે: આ વર્ષની શરૂઆત ફાયદાકારક છે. વિદેશ જવાની તમારી ઈચ્છા પૂર્ણ થતી જણાય. તમારા કાર્યો સફળ થતાં જણાય. મે 2025થી અભ્યાસમાં ધ્યાન વધુ આપવું. થોડો કઠિન સમય શરૂ થાય. એકંદરે સારું વર્ષ ગણાય.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):વિક્રમ સંવત 2081ના વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરુ તમારી રાશિથી છઠ્ઠા રોગ-શત્રુ ભાવમાં ભ્રમણ કરે છે. આ સ્થાને ગુરુ અશુભ ફળદાયી ગણાય. નોકરી-વ્યવસાયમાં અણબનાવ નુકશાન થઈ શકે. આરોગ્ય બાબતે ખૂબ જ સાવચેત રહેવું. નાના-મોટા રોગ કે સમસ્યા ઊભી થઇ શકે. 14 મે 2025થી મિથુન રાશિનો ગુરૂ તમારી રાશિથી સાતમા સ્થાનમાં રહેશે જેથી કાર્ય સિદ્ધિના યોગો શરૂ થશે. વેપાર-ધંધા કે નોકરીમાં આવક વધશે. કામ સફળ થશે. સંબંધો મધુર થશે. તબિયત સારી થશે. લગ્ન ઈચ્છુકોના લગ્નના યોગ સર્જાશે. દાંપત્યજીવનમાં મધુરતા આવે. યશ, નામની પ્રાપ્તિ થાય. વર્ષની શરૂઆતમાં કુંભ રાશિનો શનિ તમારી રાશિથી ત્રીજા પરાક્રમ સ્થાને રહેશે. વેપાર-ધંધા કે નોકરીમાં સાહસથી સિદ્ધિ પ્રાપ્ત કરાવશે. આકસ્મિક ધન પ્રાપ્તિ થાય. તમારી જીવનશૈલીમાં પરિવર્તન આવશે. ધન લાભ થાય. તેમજ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. સમાજમાં પ્રતિષ્ઠા વધે. તા. 29 માર્ચ 2025થી શનિ તમારી રાશિથી ચોથા સુખસ્થાને આવશે જે માતા-પિતા સાથે અણબનાવ ઊભો કરે નહિ તેની કાળજી રાખવી. આર્થિક, માનસિક અને શારીરિક તકલીફોનો એકાએક સામનો કરવો પડે. શેર-સટ્ટાકીય કાર્યોથી દૂર રહેવું નુકશાની વેઠવી પડી શકે છે.

સ્ત્રીઓ માટે: આ વર્ષની શરૂઆત ઘણી શુભ થાય. સામાજિક કાર્યોમાં યશ મળે. નોકરિયાત બહેનોને કાર્ય સિદ્ધિ અને ધન પ્રાપ્તિના યોગ રહે. 29 માર્ચ 2025 પછી નબળો સમય રહે. ત્યારબાદ સમય શાંતિથી પસાર કરવો. ખર્ચ પર કાબૂ રાખવો.

વિદ્યાર્થીઓ માટે: આ વર્ષ શરૂઆતમાં મિશ્ર ફળદાયી ગણાય પરંતુ માર્ચ 2025થી ઉત્તમ સમય શરૂ થશે જે અભ્યાસમાં સફળતા તેમજ અભ્યાસ અંગે વિદેશ જવામાં સફળતા મળે.

10. મકર – જ, ખ (Capricorn):વિક્રમ સંવત 2081ના વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરુ તમારી રાશિથી પાંચમા ભાવે ભ્રમણ કરશે જે નોકરી તેમજ વ્યવસાયમાં કાર્ય સફળતા અને ધન પ્રાપ્તિના યોગ ઊભા કરશે. જીવનમાં સુખ અને સફળતા મળે. સંતાનોના પ્રશ્નો હલ થાય. નોકરીમાં પ્રમોશનના યોગ થાય. વિદેશ જવાનું સપનું પૂરું થાય. 14 મે 2025થી મિથુન રાશિનો ગુરુ તમારી રાશિથી છઠ્ઠા રોગ-શત્રુભાવે આવે જે શારીરિક સમસ્યા તેમજ અંગત વ્યક્તિ દ્વારા વિશ્વાસઘાતના યોગ બનાવે. નોકરી-વ્યવસાયમાં તકરારથી બચવું. આવક ઘટે. વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ તમારી રાશિથી બીજા ધનભાવે ભ્રમણ કરે છે. અહીં તમારે સાડાસાતી પનોતીનો છેલ્લો તબક્કો સોનાના પાયે પગ પરથી પસાર થાય છે જે શારીરિક-માનસિક ચિંતા બેચેની આપે. તમારે અનેક તકલીફોનો સામનો કરવો પડે. ઉતરતી પનોતીમાં ધીરજપૂર્વક સમય પસાર કરવો. મોટા સાહસ કે મોટા ખર્ચથી બચવું. કોઈની સાથે તકરાર કે કોર્ટ-કચેરીમાં ઉતરવું નહીં. પનોતીનો સમય છે બને તેટલી વધારે શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરવી જેનાથી વધુ લાભ રહે તકલીફ ઓછી પડે. તા. 29 માર્ચ 2025થી શનિ તમારી રાશિથી ત્રીજા પરાક્રમ સ્થાને આવશે. તમને પનોતીમાંથી મુક્તિનો અહેસાસ થશે અટકેલા કાર્યો પૂરા થશે. લોકો તરફથી સારો પ્રતિસાદ અને સપોર્ટ મળશે. ફરી સાહસિક કાર્યો દ્વારા પ્રગતિ થશે. વેપાર-ધંધા કે નોકરીમાં એકંદરે સારી સફળતા મળે.

સ્ત્રીઓ માટે: આ વર્ષની શરૂઆત બેચેની ચિંતા અને તકલીફો લાવનારી બને. પરંતુ માર્ચ 2025થી તમામ સમસ્યાઓનો અંત આવે સારા ધન યોગ ઉભા થાય. ક્લેશ દૂર થાય રોકાયેલા કાર્યો પૂરા થતા જણાય.

વિદ્યાર્થીઓ માટે: આ વર્ષની શરૂઆત ઉત્તમ થવાની છે. સફળતા મળશે થોડું પરિશ્રમ કરવાવાળું વર્ષ ગણાય. માર્ચ 2025 બાદ ઉચ્ચ ડિગ્રીની પ્રાપ્તિ માટે તમારે કમર કસવી પડશે. ખૂબ વધુ મહેનત બાદ સફળતા મેળવી શકશો. વર્ષના અંતમાં થોડી કઠિનાઈ ઊભી થઈ શકે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):વિક્રમ સંવત 2081ના વર્ષની શરૂઆતમાં વૃષભ રાશિનો ગુરુ તમારી રાશિથી ચોથાભાવે ભ્રમણ કરશે જે વેપાર-ધંધા કે નોકરીમાં ધનલાભના યોગ ઊભા કરે. સફળતા પ્રાપ્ત થાય. કૌટુંબિક જીવનમાં પણ ખૂબ લાભ થાય. જમીન મિલકત પ્રોપર્ટીમાં પણ લાભ થાય. 14 મે 2025થી ગુરૂ તમારી રાશિથી પાંચમા સ્થાનમાં આવતા સુખ અને સફળતાના યોગ ઊભા કરે. સંતાન પ્રાપ્તિના યોગ થાય. બાળકોના પ્રશ્નો પૂરા થાય. ધાર્મિક યાત્રામાં જવાના યોગ બને. વર્ષની શરૂઆતમાં કુંભના શનિથી પનોતીનો બીજો તબક્કો તાંબાના પાયે છાતી પરથી પસાર થશે જે વેપાર-ધંધા કે નોકરી માટે લક્ષ્મીદાયક કે ધનદાયક ગણી શકાય પરંતુ પનોતી હોવાથી શારીરિક અને માનસિક ચિંતા અને બેચેની રહ્યા કરે. અટકેલા કાર્યોમાં ધીમી ગતિએ સફળતા મળે. પનોતીનો સમય છે બને તેટલી વધારે શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરવી જેનાથી વધુ લાભ રહે તકલીફ ઓછી પડે. 29 માર્ચ 2025થી શનિ તમારી રાશિથી બીજા ધન ભાવે આવશે. અહીં તમારી સાડાસાતી પનોતીનો ત્રીજો અને છેલ્લો તબ્બકો રૂપાના પાયે પગ પરથી પસાર થવાનો છે જે એકંદરે લાભદાયી રહેશે. અટકેલા કાર્યોમાં સફળતા મળશે. વારસાગત લાભ મળે. જમીન મકાન પ્રોપર્ટીથી ધનલાભ થાય. શનિ ઉપાસના શરૂ રાખવી. વધુ ખર્ચને કારણે નાણાંકીય ખેંચ વધતી જણાય જેથી ખર્ચ પર કાબુ રાખવો.

સ્ત્રીઓ માટે: સ્ત્રીઓ માટે આ વર્ષે માનસિક અને શારીરિક રીતે મધ્યમ ગણાય પરંતુ આર્થિક અને સુખની દ્રષ્ટિએ સારું ગણાય. પનોતી હોવા છતાં પણ ઘણા લાભ મળશે શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના શરૂ રાખવી તેનાથી કૌટુંબિક સુખ અને ધનની પ્રાપ્તિ થશે શારીરિક સમસ્યા દૂર થશે.

વિદ્યાર્થીઓ માટે: આ વર્ષ એકંદરે વધુ મહેનત બાદ જ સફળતા એવું નિશ્ચિત ફળ આપશે. ઓછી મહેનત કરશો તો પરિણામ નબળું આવી શકે છે. પાસ થવામાં મુશ્કેલી નહીં રહે પરંતુ માર્ક ઓછા રહેશે. ઉચ્ચ અભ્યાસ અંગે વિદેશ જવામાં કઠિનાઈથી સફળતા મળે એકંદરે વિદ્યા પ્રાપ્તિમાં સારી સફળતા મળે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):વિક્રમ સંવત 2081ના વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરુ તમારી રાશિથી ત્રીજા ભાવે ભ્રમણ કરે છે જેથી નોકરી વ્યવસાયમાં સ્થળ પરિવર્તનના યોગ બને. નાનો મોટો ક્લેશ થાય. થોડી ઘણી આર્થિક સમસ્યા ઊભી થાય. 14 મે 2025થી મિથુન રાશિનો ગુરુ તમારી રાશિથી ચોથા સુખ ભાવમાંથી ભ્રમણ કરશે જે વેપાર-ધંધા કે નોકરીમાં ધનલાભનું સૂચન કરે છે આવકમાં વધારો થશે. માલ મિલકત વધશે. મકાન-વાહન ગાડી સુખ વધશે. વૈભવમાં વધારો થઈ શકે. યશ, પ્રતિષ્ઠાની પ્રાપ્તિ કરાવે. વર્ષની શરૂઆતમાં કુંભ નો શનિ તમારા બારમા વ્યયસ્થાને આવશે. અહીં તમારે સાડાસાતીની પનોતીનો પ્રથમ તબક્કો રૂપાના પાયે માથા પરથી પસાર થાય છે જે માનસિક ચિંતા અને બેચેની ઉપજાવી વેપાર-ધંધા નોકરીમાં નાની-મોટી સમસ્યા આપે. પનોતીનો સમય હોવાથી હનુમાનજીની ઉપાસના કરવી શનિદેવની ઉપાસના કરવી. સમય શાંતિથી પસાર કરવો ખૂબ મોટા સાહસોથી બચવું. ઉતાવળિયા નિર્ણયો ના લેવા. તા. 29 માર્ચ 2025થી શનિ મીન રાશિમાં પ્રવેશ કરતા તમારી રાશિમાં આવશે. અહીં સાડાસાતીની પનોતીનો બીજો તબક્કો સોનાના પાયે છાતી પરથી પસાર થશે. અહીં તમે કર્મને ધર્મ માનીને સંયમપૂર્વક કાર્ય કરશો તો મુશ્કેલી ઓછી રહેશે. ખૂબ મોટા સાહસોથી બચવું. શાંતિથી સમય પસાર કરવો. ખર્ચ પર કાબુ રાખવો. થોડી ઘણી કસોટીનો સમય ગણી શકાય શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરશો તો સુડીનો ઘા સોય થી ટડી જશે. શનિદેવ કાર્ય અનુસાર ફળ આપતા દેવ છે કોઈનું અહિત નહીં કરો. ઉત્તમ કાર્ય કરશો તો નુકસાન નહીં થાય આ સમય પણ શાંતિથી પસાર થશે. આ જ સમયમાં ગુરુ પોઝિટિવ છે જેથી તકલીફ ઓછામાં ઓછી પડશે.

સ્ત્રીઓ માટે: આર્થિક-શારીરિક રીતે લાભપ્રદ રહે પરંતુ માનસિક ચિંતા અને બેચેની રહ્યા કરે. શનિ ઉપાસના હનુમાનજીની ઉપાસના કરવી જરૂરી કૌટુંબિક ક્લેશથી દૂર રહેવું. કચેરીથી બચવું. ખર્ચ પર કાબુ રાખવો. મિશ્ર ફળ ગણી શકાય. કૌટુંબિક તકલીફો કે મનદુઃખના પ્રસંગો બને માનસિક શાંતિ રાખવી.

વિદ્યાર્થીઓ માટે: આ વર્ષ શરૂઆતની કઠિનાઈ બાદ સફળતા આપતું ગણી શકાય. પરંતુ આ વર્ષ થોડી ઘણી વધુ મહેનત માગી લે તે પ્રમાણે મહેનત કરશો તો ચોક્કસ સારું પરિણામ મળશે. શનિ ક્યારે પણ વિદ્યાર્થીઓને પનોતીમાં નડતો નથી કોઈ પણ શંકા રાખવી નહીં. તેમ છતાં પણ માનસિક ચિંતા રહેતી હોય તો શનિદેવ અને હનુમાનજીના દર્શન કરવા અને હનુમાન ચાલીસા કરવા ઉચ્ચ અભ્યાસ અંગે વિદેશ જવું હોય તો ઉતાવળિયા નિર્ણય ન લેવા. ધીમે-ધીમે પ્રયત્ન કરવા પર સફળતા મળશે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Shah Jina