worm that came out of Premavati food : છેલ્લા ઘણા સમયથી બહારની ખાણીપીણીની વસ્તુઓમાં હાઇજીન નથી જળવાતું જોવા મળતું. ઘણી મોટી મોટી બ્રાન્ડના ફૂડ આઉટલેટમાંથી પણ જીવાત આવતી જોવા મળે છે અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોવા મળે છે, જેને જોઈને લોકોને બહાર ખાવા પરથી પણ વિશ્વાસ ઉઠી ગયો છે, ત્યારે અમદાવાદમાંથી આવી ઘણી ઘટનાઓ સામે આવી ગઈ છે, પરંતુ હાલ સ્વચ્છ, શુદ્ધ અને સાત્વિક ભોજન માટે જાણીતા સ્વામિનારાયણના પ્રેમવતી ફૂડમાંથી પણ જીવાત નીકળવાની ઘટના સામે આવી છે.
પ્રેમવતીના ફૂડમાંથી નીકળી જીવાત :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના શાહીબાગ સ્વામિનારાયણ મંદિર દ્વારા સંચાલિત પ્રેમવતી ફુડકોર્ટમાંથી એક વ્યક્તિએ ફરાળી એવી મોરૈયા ખીચડી મંગાવી હતી. એ ખીચડી આવતા અંદર જોયું તો તેને જીવાત જોવા મળતા ત્યાં હાજર સ્ટાફને આ બાબતે ફરિયાદ કરવામાં આવી હતી. જેના બાદ હાજર અન્ય વ્યક્તિ દ્વારા કોઈ બીજી વસ્તુ આપીને મામલો રફેદફે કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેનાથી ગ્રાહક ગુસ્સે ભરાઈ ગયો હતો.
મામલો રફેદફે કરવા માંગતા હતા :
ગુસ્સે ભરાયેલા ગ્રાહકે જણાવ્યું હતું કે,”મારે બીજી કોઈ વસ્તુ નથી જોવતી, પરંતુ આ જીવડું આવ્યું કેમ? મોરૈયાની ખીચડીમાં જીવડું આવ્યું છે. હવે તમારી કોઈ વસ્તુ ભાવશે નહીં.” ત્યારે આ મામલે ગ્રાહકે જે પ્રેમવતીના સ્ટાફને ફરિયાદ કરી હતી તેનો વીડિયો પણ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ પણ ત્યાં દોડી આવી હતી અને વિવિધ વસ્તુઓના સેમ્પલ લઈને રેસ્ટોરન્ટને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ગ્રાહકે જણાવી હકીકત :
આ ઘટનાનો ભોગ આકાશ શુકલા નામની વ્યક્તિ બની છે, તેને વીડિયો શેર કરવાની સાથે જણાવ્યું છે કે, ” મને ભૂખ લાગી હતી, જેથી શહેરના શાહીબાગ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાસે આવેલી પ્રેમવતી રેસ્ટોરન્ટમાંથી એક ફરાળી ખીચળી અને ભેળનો ઓર્ડર કર્યો હતો. જ્યારે હું મોરૈયાની ખીચડી ખાતો હતો ત્યારે મેં જોયું તો એમાં એક મરેલું જીવજંતુ જોવા મળ્યું હતું. જીવજંતુ જોવા મળતાં મેં એનો ફોટો અને વીડિયો ઉતારી લીધો હતો તેમજ ત્યાં હાજર વ્યક્તિને પણ આ મામલે જાણ કરી હતી.”
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં :
આકાશે આગળ જણાવ્યું કે, “મને લાગ્યું કે આ બાબતે મારે ફરિયાદ કરવી જોઇએ, જેથી મેં ફરિયાદ કરી હતી. સ્વામિનારાયણ મંદિર પાસે આવેલી પ્રેમવતી રેસ્ટોરન્ટ એક જાણીતી બ્રાન્ડ છે અને જો એમાંથી આવું નીકળે તો ગ્રાહકના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે, જેથી લોકો સુધી માહિતી પહોંચે એ જરૂરી છે.” ત્યારે હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ બહારની ખાણીપીણીને લઈને ચિંતિત થઇ રહ્યા છે.
View this post on Instagram