કાળઝાળ ગરમી અને ધોમધખતા તાપથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં યુપી સહિત અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે વરસાદને કારણે ગરમીથી થોડી રાહત મળશે. હવામાન વિભાગ અનુસાર, પૂર્વ ભારતમાં ગરમીનું મોજું આજ સુધી ચાલુ રહેશે અને પછી તેમાં ઘટાડો થશે. ત્યાં ઉત્તર-પૂર્વના રાજ્યોમાં 7 મે સુધી ભારે વરસાદની આગાહી કરાઇ છે.
હવામાન વિભાગ અનુસાર, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ તેમજ ત્રિપુરામાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત આંધી અને વીજળીની પણ શક્યતા છે. અરુણાચલ પ્રદેશમાં 5 અને 6 મે, આસામ-મેઘાલયમાં 7 મે, નાગાલેન્ડ-મણિપુર-ત્રિપુરામાં 5થી7 મેના રોજ ભારે વરસાદની શક્યતા છે.
તો બીજી બાજુ તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, તટીય આંધ્ર પ્રદેશ, યાનમ, રાયલસીમા, તેલંગાણામાં આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 9 મેથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ્તક આપવા જઈ રહ્યું છે, જેના કારણે ઘણા રાજ્યોમાં હવામાન બદલાશે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખમાં 5 અને 6 મે, હિમાચલ પ્રદેશ-ઉત્તરાખંડમાં 5 થી 8 મેના રોજ હળવોથી મધ્યમ વરસાદ પડશે.
આ ઉપરાંત હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને પૂર્વ રાજસ્થાનમાં 9થી11 મેના રોજ વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર પ્રદેશમાં 7 થી 11 મે સુધી વરસાદની ચેતવણી જારી કરાઇ છે. યુપીમાં પાંચ દિવસ સુધી ભારે પવનની પણ આગાહી કરવામાં આવી છે.