મને રસ્તા પર જોઇ તેને ખુશી મળે છે…દીકરાની હરકત પર બોલ્યા વિજયપત સિંઘાનિયા- રેમંડને તોડી રહ્યો છે ગૌતમ
‘ધ કમ્પ્લીટ મેન’થી લઈને ‘ફીલ્સ લાઈક હેવન’ જેવી ટેગલાઈન સાથે દરેક ઘર સુધી પહોંચેલી રેમન્ડ બ્રાન્ડ આ દિવસોમાં ગૌતમ સિંઘાનિયાના છૂટાછેડાના વિવાદને કારણે ચર્ચામાં છે. એક સમય હતો જ્યારે રેમન્ડના કપડા વિના લગ્ન અધૂરા ગણાતા. જ્યાં સુધી વરરાજા રેમન્ડના સૂટમાં જોવા ન મળે ત્યાં સુધી લગ્નનું ફંક્શન પણ અધૂરુ લાગતુ. પરંતુ આજે રેમન્ડ કંપની ચેરમેન અને એમડી ગૌતમ સિંઘાનિયાના છૂટાછેડાને લઇને ચર્ચામાં છે. ગૌતમ સિંઘાનિયા તેમની પત્ની નવાઝ મોદીને 32 વર્ષ બાદ છૂટાછેડા આપવા જઈ રહ્યા છે.
ગૌતમ સિંઘાનિયા છૂટાછેડા વિવાદ
છૂટાછેડાના આ વિવાદ બાદ ગૌતમ સિંઘાનિયાના સ્વભાવ, પત્ની અને પરિવારના સભ્યો સાથેના તેમના વ્યવહારને લઈને અનેક ખુલાસા થઈ રહ્યા છે. ગૌતમ પર તેની પત્ની નવાઝ મોદી અને પુત્રી નિહારિકા પર હુમલો કરવાનો આરોપ હતો. હવે રેમન્ડના સંસ્થાપક વિજયપત સિંઘાનિયાએ તેમના પુત્ર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે તે ગુસ્સેલ અને ઘમંડી વ્યક્તિ છે. વિજયપત સિંઘાનિયાએ પુત્રને બદલે પુત્રવધૂને સમર્થન આપવાની વાત કરી હતી. રેમન્ડ પરિવારમાં પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો હવે ગલીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.
વિજયપત સિંઘાનિયાએ કર્યા ઘણા ખુલાસા
કંપનીના ચેરમેન અને એમડી ગૌતમ સિંઘાનિયાએ તેમની પત્ની નવાઝ મોદીને છૂટાછેડા આપવાનો નિર્ણય કર્યો છે. પહેલા ગૌતમ સિંઘાનિયા પિતા સાથે પ્રોપર્ટીના વિવાદ અને હવે પત્ની સાથે છૂટાછેડાને કારણે સમાચારમાં છે. ગૌતમ સિંઘાનિયાનો તેના પિતા વિજયપત સિંઘાનિયા સાથેનો ઝઘડો પણ જાણીતો છે. ગૌતમ સિંઘાનિયાના પિતા અને રેમન્ડના સ્થાપક વિજયપત સિંઘાનિયાએ એક ઈન્ટરવ્યુમાં ઘણા ખુલાસા કર્યા. વર્ષ 2015માં વિજયપત સિંઘાનિયાએ રેમન્ડની બાગડોર ગૌતમને સોંપી હતી. તમામ શેર ગૌતમના નામે ટ્રાન્સફર કરી દીધા.
પ્રોપર્ટી અને બિઝનેસ મળતા જ બદલાયો રંગ
જો કે, પ્રોપર્ટી અને બિઝનેસ મળતા જ ગૌતમનો રંગ બદલાઈ ગયો. ગૌતમે પિતાને કંપની અને ઘર બંનેથી બહાર કરી દીધા. જે જેકે હાઉસને વિજયપત સિંઘાનિયાએ બનાવ્યુ હતુ, દીકરા ગૌતમે તેમને તે જ ઘરમાંથી બહાર નીકાળી દીધા. તેને કારણે તેઓ ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યા હતા. વિજયપત સિંઘાનિયા તેમની પત્ની સાથે ભાડાના મકાનમાં રહેતા હતા. જેમની પાસે એક સમયે કારોનો કાફલો હતો, પોતાનું ખાનગી વિમાન હતું, તેઓ કાર વિના જીવી રહ્યા છે.
તમામ સંપત્તિ પુત્રને આપી સૌથી મોટી ભૂલ કરી : વિજયપત સિંઘાનિયા
વિજયપત સિંઘાનિયાએ ઘણી વખત ખુલ્લેઆમ કહ્યું છે કે તેમણે તમામ સંપત્તિ તેમના પુત્રને આપીને સૌથી મોટી ભૂલ કરી છે. તેમના પુત્રએ તેમની પાસેથી બધું છીનવી લીધું. તેમની પાસે કેટલાક પૈસા બચી ગયા હતા, જેના કારણે તે જીંદગી વિતાવી રહ્યા છે. તેમણે આગળ કહ્યું કે તે ભાડાના મકાનમાં રહે છે. જો મારી પાસે એ પૈસા ન હોત તો હું રસ્તા પર આવી ગયો હોત. તે (ગૌતમ) મને રસ્તા પર જોઈને ખુશ છે. તેણે મારી સાથે જે કર્યું, તે હવે તેની પત્ની સાથે પણ કરી રહ્યો છે.
જીવતા હોવ ત્યાં સુધી બધી સંપત્તિ બાળકોને ક્યારેય સોંપશો નહિ
તે કેવા પ્રકારનો વ્યક્તિ છે તે ખબર નથી. ઈન્ટરવ્યુમાં વિજયપત સિંઘાનિયાનું દર્દ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. આ દર્દ તેમના શબ્દોમાં પ્રતિબિંબિત થતું હતું. પિતાએ પોતે પુત્ર ગૌતમને ઘમંડી વ્યક્તિ ગણાવ્યો. વિજયપત સિંઘાનિયાએ કહ્યું કે તમે તમારા બાળકો માટે જે ઈચ્છો તે કરી શકો છો, પરંતુ તમે જીવતા હોવ ત્યાં સુધી બધી સંપત્તિ તેમને ક્યારેય સોંપશો નહીં. તેમણે કહ્યું કે તમારા મૃત્યુ પછી બાળકોને બધું જ આપવાનું છે, પરંતુ તમે જીવતા હોવ ત્યારે બધું ન આપો.