વંદે ભારત ટ્રેનની દશા બેઠી છે ! વધુ એક વખત નડ્યો અકસ્માત, ભેંસ અને ગાય બાદ હવે બળદ સાથે અથડાઈ, બળદનું થયું મોત

વંદે ભારત ટ્રેનને એક પછી એક અકસ્માત નડવાની ઘટનાઓ સામે આવી રહી છે, અમદાવાદ  ભેંસ અને આણંદમાં ગાય સાથે અથડાયા બાદ હવે વંદે ભારત ટ્રેનને વલસાડમાં બળદ સાથે અકસ્માત નડ્યો હતો. વલસાડના અતુલ સ્ટેશન નજીક ટ્રેનને બળદ સાથે આ અકસ્માત થયો હતો, જેમાં ટ્રેનને નુકશાન થયું હોવાની માહિતી સામે આવી રહી છે. આ ઘટનાને લઈને રેલવે વિભાગના કર્મચારીઓ પણ દોડતા થઇ ગયા હતા. તો બળદનું આ અકસ્માતમાં મોત થયું હતું.

આ અકસ્માતમાં ટ્રેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો. એન્જીનના ભાગે પણ નુકશાન થયું હોવાની માહિતી સામે આવી રહી છે. આ ટ્રેન આજે સવારે મુંબઈ તરફ જઈ રહી હતી તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતા જ રેલવેના કર્મચારીઓ પણ તાબડતોબ ઘરના સ્થળે દોડી આવ્યા હતા. આ અકસ્માતના કારણે ટ્રેન 20 મિનિટ લેટ પડી હતી.

થોડા જ દિવસોમાં વંદે ભારત ટ્રેનને આ ત્રીજી વખત અકસ્માત નડતા જાણે ટ્રેનની માઠી દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે. આ મહિનામાં જ ગત 6 ઓક્ટોબરના રોજ અમદાવાદથી વટવા વચ્ચેના રૂટમાં વંદે ભારત ટ્રેન સાથે ચાર ભેંસ અથડાઈ હતી અને તેના કારણે ટ્રેનના આગળના ભાગે નુકશાન થયું થયુ. આ ઘટનાના બીજા જ દિવસે એટલે કે 7 ઓક્ટોબરના રોજ પણ આણંદ પાસે ગાય અથડાતા અકસ્માત સર્જાયો હતો.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા જ મુંબઈથી ગાંધીનગર વચ્ચે દોડાનારી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. પરંતુ ટ્રેન શરૂ થયાના એક મહિનામાં જ ટ્રેનને આ ત્રીજીવાર અકસ્માત નડ્યો છે અને ત્રણેય અકસ્માત રખડતા ઢોરના કારણે જ થયા છે.

ઘટના અંગે અતુલ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટરને જાણ થતા જ તાત્કાલિક રેલવે વિભાગને જાણ કરવામાં આવી હતી. જેના બાદ વલસાડથી ટેકનિકલ ટિમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રીપેરીંગની કામગીરી પણ તાબડતોબ ચાલુ કરી દીધી હતી. જેમાં 20 મિનિટ બાદ ટ્રેનને ફરીથી રવાના કરવામાં આવી હતી.

Niraj Patel