વડોદરા બોટકાંડનો મુખ્ય આરોપી આખરે ઝડપાયો, પોલિસનો દાવો- વકીલને મળવા આવ્યોને ઝડપી લીધો

વડોદરાના હરણી તળાવમાં મોટી દુર્ઘટના ઘટી, બોટ પલટી જવાને કારણે 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકનું મોત થયું. બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ પાસે હતો અને તેણે બીજાને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ દુર્ઘટનાનો મુખ્ય આરોપી પરેશ શાહ છે, જે ઘટના સમયે પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો. જો કે, હાલમાં સમાચાર છે કે વડોદરા પોલીસે તેને હાલોલ-વડોદરા રોડ પરથી ઝડપી પાડ્યો છે. એવું કહેવાઇ રહ્યુ છે કે આરોપી વકીલને મળવા બસમાં વડોદરા આવી રહ્યો હતો અને આ સમયે જ તેને ઝડપી પડાયો.

અત્યારસુધી જે આરોપીઓ પકડાયા છે, તેમાં પરેશ શાહ, બિનિત કોટિયા, નયન ગોહિલ, ભીમસિંહ યાદવ, શાંતિલાલ સોલંકી, અંકિત વસાવા, વેદ પ્રકાશ યાદવ, રશ્મિકાંત પ્રજાપતિ અને ગોપાલ શાહનો સમાવેશ થાય છે. પોલિસનો દાવો છે કે પરેશ શાહ વકીલને મળવા બસમાં વડોદરા આવી રહ્યો હતો ત્યારે તેને ઝડપી પડાયો. જો કે, બીજી તરફ એવી ચર્ચા ચાલી રહે છે કે વડોદરાના એક સંતની મધ્યસ્થીથી પરેશ શાહ હાજર થયો છે. ગઇકાલે જે ગોપાલ શાહ પકડાયો હતો તે પરેશ શાહનો સાઢુભાઈ થતો હોવાનું પણ કહેવાઇ રહ્યુ છે.

શનિવારના રોજ વડોદરા પોલીસે એફઆરઆઈમાં પરેશ શાહનું નામ એડ કર્યુ હતુ અને તેને મુખ્ય આરોપી તરીકે જાહેર કર્યો હતો.જો કે, દૂર્ઘટના બની ત્યારે પરેશ શાહ ત્યાં જોવા મળ્યો હતો અને ફોન પર વાત કરતા કરતા સ્થળ પરથી બહાર જતા પણ દેખાયો હોવાનું કહેવાય છે. પોલીસે આ મામલે પહેલા મોડી રાત્રે 17 લોકો સામે એફઆરઆઈ દાખલ કરી હતી, પરંતુ તેમાં પરેશ શાહ અને નિલેશ જૈન કે જે મુખ્ય કોન્ટ્રાક્ટર છે તેમનું નામ નહોતું.

દુર્ઘટનાના બે દિવસ બાદ એટલે કે શનિવારે બંનેનું નામ ઉમેરવામાં આવ્યું. જો કે, ત્યાં સુધી તો બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. અત્યારસુધી તો પોલીસે હજુ 9 આરોપીઓની જ ધરપકડ કરી છે અને 10 આરોપી ફરાર હોવાનું કહેવાય છે. મુખ્ય આરોપી નિલેશ જૈન હજુ પણ પોલીસ પકડથી દૂર છે. જણાવી દઇએ કે, હરણી તળાવની ગોઝારી ઘટના બાદ પોલીસ કમિશનર દ્વારા SITની રચના કરવામાં આવી છે. આ દુર્ઘટના મામલે હરણી પોલીસ પાસેથી તપાસ લઈને SITને સોંપવામાં આવી છે.

Shah Jina