17 દિવસના લાંબા અંતરાલ બાદ હવે ગમે ત્યારે ટનલમાંથી બહાર આવી શકે છે 41 મજૂરો… ડ્રિલિંગનું કામ હવે લગભગ પૂર્ણ થવાના આરે, જાણો લેટેસ્ટ અપડેટ

Uttarkashi Tunnel Rescue : ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે આજે 17મો દિવસ નવી આશા લઈને આવ્યો છે. ટનલમાં ફસાયેલા અમેરિકન ઓગર મશીનના કાટમાળને સંપૂર્ણપણે હટાવ્યા બાદ હવે જાતે જ ટનલ ખોદીને કામદારો સુધી પહોંચવાની તૈયારી કરવામાં આવી રહી છે. દિવાળીના દિવસે થયેલા અકસ્માતમાં સુરંગની અંદર 41 મજૂરો ફસાયા હતા. સુરંગની અંદર ફસાયેલા મજૂરોએ હજુ હાર માની નથી અને તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે સરકાર દ્વારા સતત બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.

ટનલની બહાર ઉભી છે એમ્બ્યુલન્સ :

પીએમ મોદી આ ઓપરેશન પર ચાંપતી નજર રાખી રહ્યા છે, તેઓ અધિકારીઓ પાસેથી બચાવ કામગીરીની ક્ષણ-ક્ષણ અપડેટ લઈ રહ્યા છે. મજૂરોને હવે ગમે ત્યારે બહાર કાઢી શકાય છે કારણ કે ટનલમાં ખોદવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. કામદારોને બહાર કાઢવા માટે, ટનલની અંદર 800 એમએમની પાઇપ નાખવામાં આવી છે જેના દ્વારા NDRFની ટીમો કામદારો સુધી પહોંચી રહી છે. કામદારો માટે એમ્બ્યુલન્સ અને સ્ટ્રેચરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બહાર આવતાની સાથે જ તેને સ્વાસ્થ્ય તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવશે.

ડોકટરોની ટિમો પણ ખડેપગે :

ટનલની અંદર ફસાયેલા મજૂરો માટે પરિસ્થિતિ ખૂબ જ પડકારજનક બની ગઈ હતી પરંતુ તેમની જીવવાની ઈચ્છા હારી નહોતી. ફસાયેલા મજૂરો માટે ડોકટરોની એક ટીમ પણ સુરંગની બહાર તૈનાત કરવામાં આવી હતી, જેઓ નિયમિતપણે તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરતા હતા અને તેમને માનસિક રીતે પ્રોત્સાહિત કરતા હતા. રેસ્ક્યુ ઓપરેશન સ્થળ પર પાંચ ડોક્ટરોની ટીમ દિવસમાં બે વખત ફસાયેલા મજૂરો સાથે વાત કરી રહી હતી.

17 દિવસથી ફસાયા છે 41 મજૂરો :

સુરંગમાં ફસાયેલા 41 મજૂરોમાંથી એક સબા અહેમદના પરિવારના સભ્યોએ કહ્યું કે જ્યારે પણ તેઓ સુરંગની અંદર સબા સાથે વાત કરતા ત્યારે તે હંમેશા તેમને કહેતો, ‘ગભરાશો નહીં… તમને લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ‘ એક પાઈપ દ્વારા કામદારોને માઈક મોકલવામાં આવ્યું હતું, જેના દ્વારા તેઓ તેમના પરિવાર અને ડોક્ટરો સાથે વાત કરી રહ્યા હતા. સબાના ભાઈ નય્યર અહેમદનું કહેવું છે કે શરૂઆતમાં જ્યારે તેને બચાવવા માટે ખોદકામ શરૂ થયું અને થોડા દિવસો પછી મશીન સુરંગમાં ફસાઈ ગયું તો તેનો ભાઈ નિરાશ થઈ ગયો. આ પછી, ડોકટરોએ સબા અહેમદનું કાઉન્સેલિંગ કર્યું અને તેને ખાતરી આપી કે તેની સાથેના તમામ મજૂરોને શક્ય તેટલી વહેલી તકે બહાર કાઢવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ઠંડીમાં કેવી રીતે વિતાવે છે રાત :

શિયાળાનું આગમન થઈ ગયું છે અને દેશના અન્ય રાજ્યોની જેમ ઉત્તરાખંડમાં પણ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ઠંડી વધતાં શ્રમિકોના પરિવારજનો સુરંગમાં રાત કેવી રીતે વિતાવતા હશે તેની ચિંતા સતાવી રહી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતી વખતે, ડોકટરોની ટીમમાં સામેલ વરિષ્ઠ ડૉક્ટર પ્રેમ પોખરિયાલે કહ્યું હતું કે સુરંગની અંદર કામદારોને ઠંડીથી કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો નથી. તેમણે કહ્યું હતું કે, ‘જ્યાં લોકો ફસાયેલા છે, ત્યાં જવા માટે લગભગ 2 કિલોમીટર જગ્યા છે અને તાપમાન 22-24 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે છે. અત્યારે તેમને વૂલન કપડાંની જરૂર નથી.

Niraj Patel