એક ઝટકામાં વિખેરાયો પરિવાર, કારે બાઇકને મારી ટક્કર, ત્રણ સગા ભાઇ-બહેનોનું મોત- જુઓ તસવીરો
ઉત્તર પ્રદેશના નોઈડામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા. પરી ચોક ખાતે શુક્રવારે વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં બાઇક સવાર બે બહેનો અને એક ભાઇના મોત થયા હતા. અકસ્માતમાં બહેનની મિત્રને ઈજા થઈ છે. ચારેય લોકો એક જ બાઇક પર સવાર હતા. આ લોકો કાસનામાં લગ્ન પ્રસંગમાંથી કુલેસરા સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. અકસ્માત બાદ પરિવારમાં હવે એક જ પુત્ર બચ્યો છે. પોલીસે બાઇકને ટક્કર મારનાર અજાણ્યા ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અકસ્માત બાદ ટ્રાફિકના નિયમોનો કડક અમલ કરાવવાનો દાવો કરતી પોલીસ સવાલોના ઘેરામાં છે. કલેસરા ગામના મધુવન વિહારમાં રહેતા શિવ સિંહ ઔદ્યોગિક ક્ષેત્ર સ્થિત બલ્બ બનાવવાની ફેક્ટ્રીમાં કામ કરે છે. ગુરુવારે શિવ સિંહનો પુત્ર સુરેન્દ્ર સિંહ (28) તેની બહેનો શૈલી (26) અને અંશુ (14) સાથે એક સંબંધીના લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે કાસના ગયો હતો. લગ્ન સમારોહ બાદ સવારે 2:30 વાગ્યાની આસપાસ સુરેન્દ્ર સિંહ તેની બંને બહેનો સાથે બાઇક પર ઘરે પરત ફરી રહ્યો હતો.
ત્યારે શૈલીની મિત્ર સિમ્મીએ પણ સાથે લઇ જવા કહ્યું. ચારેય લોકો બાઇક પર ઘરે પરત ફરવા નીકળ્યા. લગભગ અડધો કલાક બાદ પરી ચોક પાસે સુરેન્દ્રસિંહની બાઇકને મોટા વાહને ટક્કર મારી અને આ જોરદાર ટક્કરને કારણે બાઇક રોડ પર ઘસડાયુ, જેના માર્કસ પણ રોડ પર દેખાઇ રહ્યા હકા. પોલીસના જણાવ્યા અનુસાર, બાઈક સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. અકસ્માતમાં બંને બહેનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ગંભીર રીતે ઘાયલ સુરેન્દ્ર સિંહને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને વેન્ટિલેટર પર રખાયો હતો.
જોકે સુરેન્દ્ર સિંહનું શુક્રવારે બપોરે મોત થયું. સુરેન્દ્ર અપરિણીત હતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. જ્યારે મૃતકની મિત્રને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ બપોરે પરિવાર તેને અલીગઢ લઈ ગયો. આ અકસ્માતમાં શિવ સિંહે ત્રણ બાળકો ગુમાવ્યા છે અને હવે માત્ર સંતાનોમાં નાનો દીકરો શિવમ છે, જે ગ્રેટર નોઈડાની કોલેજમાં અભ્યાસ કરે છે. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિજનોને સોંપી દીધા છે.