કૌશલ બારડ ખબર

ગુજરાતના ક્યાં વિસ્તારોમાં અને ક્યાં દિવસોમાં થશે વણનોતર્યો વરસાદ? વાંચો

ગુજરાતમાં હાલ ઠંડીનું પ્રમાણ એટલું નથી, જેટલું ભરશિયાળે હોવું જોઈએ. બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં ઉપરાછાપરી ઉદ્ભવેલાં ૩ વાવાઝોડાનાં કારણે ઉત્તર દિશાના પવનો ફૂંકાયા ન હોઈ ઠંડીમાં વધારો થયો નથી. હવે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ઘણા ભાગોમાં ૧૧ અને ૧૨ ડિસેમ્બરના કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે)

Image Source

ક્યા વિસ્તારોને અસર કરશે માવઠું?:
ઇન્ડીયન મટિરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા અગાઉ અપાયેલી માવઠાંની આગાહી મુજબ, સૌરાષ્ટ્રને લગભગ અસર થવાની નહોતી. પરંતુ બાદમાં પવનોની દિશા બદલાતા હવે સૌરાષ્ટ્રમાં પણ કમોસમી હળવો વરસાદ પડે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સહિતના ભાગોમાં માવઠાંની આગાહી કરવામાં આવી છે. ૯ તારીખ કે ૧૦ તારીખથી આ વિસ્તારોના હવામાનમાં પલટો આવે તેવી શક્યતા છે. આ દિવસોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ૧૧-૧૨ ડિસેમ્બર એટલે કે આ અઠવાડિયાના શુક્ર-શનિના દિવસોમાં માવઠાંની શક્યતા છે. જો કે, આ વરસાદ હળવો જ હશે એવું હવામાનના જાણકારો જણાવી રહ્યા છે. એ પછીના દિવસોમાં વાતાવરણ ચોખ્ખું બનશે.

Image Source

શિયાળુ પાક માટે ‘માવઠું’ માઠું!:
માવઠાંની શક્યતાથી શિયાળુ પાકને નુકસાન થાય તેવી સંભાવનાઓ છે. જો કે, આ માવઠાંનો વરસાદ હળવો જ હશે એવું કહેવાઈ રહ્યું છે. છતાં પણ ખેતરમાં ઉભેલા મોલ માટે આવું વાતાવરણ સારું નથી હોતું. જીરાંના પાક માટે પણ આ જ વાત લાગુ પડે છે.

Image Source

ઠંડીનું જોર ક્યારે વધશે?:
હવે તાપમાનનો પારો ધીમેધીમે નીચે જશે એવું કહેવામાં આવે છે. બંગાળની ખાડીમાંથી દક્ષિણ ભારતમાં ત્રાટકેલાં ૨ વાવાઝોડાંને પરિણામે પવનની દિશા દક્ષિણ અને પૂર્વ તરફની રહી હોવાથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો નહોતો. પણ હવે થોડા સમયમાં ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થશે અને ઠંડીની લહેર આવશે એવી આગાહી કરવામાં આવી છે. આથી ગુજરાતમાં પણ ઠંડીનો પ્રભાવ વધશે.