ગુજરાતમાં અહીં 24 કલાકની અંદર જ બે સગા ભાઈઓને ભરખી ગયો કોરોના, હજુ એક ભાઈ લડી રહ્યો છે કોરોના સામે જંગ

કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક બની રહી છે. મોટા મોટા શહેરોમાં હાલત ખુબ જ ગંભીર જોવા મળી રહી છે. પરંતુ હવે તો કોરોના છેવાડાના ગામડાઓ અને નાના શહેરોમાં પણ પહોંચવા લાગ્યો છે. ત્યાં પણ ઘણા લોકો કોરોનાના સંક્ર્મણનો શિકાર બન્યા છે. કોરોનાના કારણે ઘણા લોકોના જીવ પણ ચાલ્યા ગયા છે.

હાલ મળતી ખબર પ્રમાણે આણંદ જિલ્લામાં આવેલા ઉમરેઠ ગામની અંદર પણ કોરોનાના કારણે 24 કલાકની અંદર જ બે સગા ભાઈઓના જીવ ચાલ્યા ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉમેરઠમાં આવેલ યોગી પાર્ક એવન્યુમાં રહેતા મહેશભાઈ ખીમજીભાઈ પટેલ અને તેમના બંને ભાઈઓ ઘનશ્યામભાઈ અને કિશોરભાઈને કોરોનાના લક્ષણો દેખાતા ઉમરેઠની જ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવામાં આવ્યા હતા. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ દરમ્યાન મહેશ ભાઈ તથા કિશોરભાઈનાં પત્ની તથા તેમના માતાને પણ કોરોના પોઝિટિવ આવતા ઉમરેઠની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  ઘનશ્યામભાઈની તબિયત સ્થિર લાગતા ઘેર રજા લઈને આવ્યા હતા. પરંતુ મહેશભાઈની તબિયત અચાનક લથડતાં ત્રણ દિવસ અગાઉ તેમનું અવસાન થયું હતું.

પોતાના ભાઈની તબિયત ખરાબ થવાના સમાચાર સાંભળતા જ ઘનશ્યામભાઈને પણ શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી જેના બાદ તેમને ફરીથી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ તેમની તબિયત વધારે ખરાબ જણાતા ડોકટરે તેમને આગળ લઇ જવાનું જણાવ્યું હતું. જેથી તેમને વડોદરા લઇ જવા દરમિયાન રસ્તામાં જ તેમનું નિધન થયું હતું.

તો ત્રીજા ભાઈ કિશોરભાઈને પણ શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે વડોદરાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત ત્યાં સ્થિર જણાવવામાં આવી રહી છે. 24 જ કલાકમાં પરિવારના બે સભ્યોના નિધનના કારણે આખો પરિવાર દુઃખમાં ગરકાવ થઇ ગયો છે. કોરોનાએ માત્ર થોડા સમયમાંજ કચ્છી પરિવારને વેર વિખેર કરી નાખ્યો છે.

Niraj Patel