રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પણ જીતી રહ્યો છે પ્રેમ, યુક્રેનના એક કપલે હોસ્પિટમાં જ કર્યા લગ્ન- જુઓ વીડિયો

રશિયાના હુમલા વચ્ચે યુક્રેનમાંથી અનેક પ્રકારની તસવીરો સામે આવી રહી છે. કેટલીક તસવીરો તમને હચમચાવી મૂકશે તો કેટલીક તમને વિચારવા પણ મજબૂર કરી દેશે. આ દરમિયાન યુક્રેનની રાજધાની કિવમાં એક કપલના લગ્નનો વીડિયો હેડલાઇન્સ બનાવી રહ્યો છે. વાયરલ વીડિયો હોસ્પિટલનો જણાવવામાં આવી રહ્યો છે. હોસ્પિટલમાં લગ્ન કરનાર આ કપલ વ્યવસાયે ડોક્ટર હોવાનું કહેવાય છે. મીડિયા આઉટલેટ નેક્સ્ટાએ તેમના ટ્વિટર એકાઉન્ટથી આ કપલના લગ્નનો વીડિયો શેર કર્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- ‘કિવમાં ડોક્ટરોએ હોસ્પિટલમાં જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો.’ આ વીડિયોને લગભગ બે લાખ વ્યૂઝ મળ્યા છે.

વાયરલ વીડિયોમાં કપલ એકબીજાના હાથ પકડેલા જોવા મળી રહ્યા છે. સામે ઉભેલો એક વ્યક્તિ લગ્નની વિધિ કરાવી રહ્યો છે. કપલની બાજુમાં એક મહિલા પણ ઉભેલી જોવા મળે છે. ધાર્મિક વિધિ પૂર્ણ થયા પછી, કપલ ગળે મળે છે અને ખુશી વ્યક્ત કરે છે. આ લગ્ન યુદ્ધની વચ્ચે હેડલાઇન્સમાં છે. જોકે, આ પહેલીવાર નથી કે યુક્રેનમાંથી આવી તસવીર સામે આવી હોય, ગયા અઠવાડિયે કિવના એક ચર્ચમાં એક કપલે લગ્ન કર્યાં હતાં.

લગ્ન દરમિયાન ચર્ચની ઘંટડીઓ વાગી રહી હતી તો એક તરફ ફાઈટર પ્લેનનો પડઘો પણ કાનમાં સંભળાતો હતો. લગ્ન પછી, દંપતી દેશની સુરક્ષામાં મદદ કરવા માટે સ્થાનિક પ્રાદેશિક સંરક્ષણ કેન્દ્રમાં જવા માટે સંમત થયા હતા. તમને જણાવી દઈએ કે આજે રશિયા-યુક્રેન યુદ્ધનો સાતમો દિવસ છે. રશિયાની સેના યુક્રેનની રાજધાની કિવ સહિત ઘણા ભાગોમાં સતત બોમ્બમારો કરી રહી છે અને મિસાઇલો છોડી રહી છે.

અત્યાર સુધીમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન આજે રશિયા-યુક્રેન વચ્ચે બીજા તબક્કાની વાતચીત યોજાવાની છે. યુક્રેને વાતચીત પહેલા યુદ્ધવિરામની માંગ કરી છે.

Shah Jina