યુક્રેનનો રશિયાના 800 સૈનિકો મારવાનો દાવો, કિવમાં દાખલ થયેલી સેનાને જોતા યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું, “4 દિવસમાં રાજધાની ઉપર કબ્જો કરશે…”

શુક્રવારે સતત બીજા દિવસે યુક્રેન પર રશિયાના હુમલા ચાલુ રહ્યા. રાજધાની કિવ સવારે 7 મોટા વિસ્ફોટોથી હચમચી ગયું હતું. લોકો ઘરો, સબવે, ભૂગર્ભ આશ્રયસ્થાનોમાં છુપાયેલા છે. ખાવા-પીવાથી માંડીને રોજિંદી જરૂરીયાતની વસ્તુઓની અછત છે. આ દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે રશિયન દળો રાજધાની કિવમાં પ્રવેશી ચૂક્યા છે.

તેમને આશંકા છે કે આગામી 96 કલાક એટલે કે 4 દિવસમાં કિવ પર રશિયાનો કબજો થઈ જશે. તે જ સમયે, લિવ શહેરમાં હવાઈ હુમલાની સાયરન સંભળાઈ છે. આ પછી, અહીંના મેયરે લોકોને તેમના ઘરની બહાર ન નીકળવા માટે કહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે દુનિયાએ આપણને યુદ્ધમાં લડવા માટે એકલા છોડી દીધા છે. તેઓએ કહ્યું કે તેઓ કિવમાં છે અને રશિયન સેના ત્યાં ઘૂસી ગઈ છે. તેમના બે લક્ષ્યો છે, પ્રથમ – કિવ અને બીજું મારું કુટુંબ.

યુક્રેનનો દાવો છે કે રશિયાએ કિવ પર રોકેટ વડે હુમલો કર્યો છે. આ હુમલાની માહિતી આપતાં વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ પુતિનને રોકે અને રશિયાને અલગ કરી દે. તેણે કહ્યું કે રશિયાને તમામ જગ્યાએથી બહાર જવું જોઈએ. યુક્રેનના ડેપ્યુટી ડિફેન્સ મિનિસ્ટર હેન્ના મલયારે જણાવ્યું કે 25 ફેબ્રુઆરીની સવારે 3 વાગ્યા સુધીમાં દુશ્મનને કેટલું નુકસાન થયું છે.

મલયારના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં યુક્રેન 7 એરક્રાફ્ટ યુનિટ, 6 હેલિકોપ્ટર યુનિટ, 30 થી વધુ ટેન્ક યુનિટ અને રશિયાના 130 BBM યુનિટને નષ્ટ કરી ચૂક્યું છે. આ સિવાય તેણે 800 રશિયન સૈનિકોના મોતનો પણ દાવો કર્યો હતો. દરમિયાન, સરકારે આખી સેનાને યુદ્ધમાં લાવવાની જાહેરાત કરી. આ માટે યુક્રેનની સરકારે 18 થી 60 વર્ષની વય વચ્ચેના યુક્રેનિયન પુરુષોને દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેને તેના 10,000 નાગરિકોને લડાઇ માટે રાઇફલ્સ આપી છે.

Niraj Patel