ટ્રેનના ડ્રાઈવરે સંબંધીને એન્જીન કેબિનમાં બેસાડ્યો અને ટ્રેન ચલાવવા આપી દીધી, પછી સંબંધીએ કર્યું એવું કે સેંકડો લોકોના જીવ તાળવે ચોંટ્યા, જુઓ વીડિયો
ટ્રેનની સફરને લોકો સૌથી સુરક્ષિત સફર માનતા હોય છે અને એટલે જ મોટાભાગના લોકો ટ્રેનમાં જ મુસાફરી કરવાનું પસંદ કરતા હોય છે, પરંતુ ઘણીવાર ટ્રેનમાં પણ એવું કંઈક થાય છે જેના કારણે યાત્રીઓના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે, હાલ એવી જ એક ઘટના સામે આવી છે જેમાં સેંકડો યાત્રિકોના જીવ ટ્રેનના ડ્રાઈવરે જોખમમાં મૂકી દીધા.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગત સોમવારે અમદાવાદથી દિલ્હી જતી આશ્રમ એક્સપ્રેસ ટ્રેનમાં મોટી બેદરકારી સામે આવી હતી.. ઝડપભેર ચાલતી ટ્રેનના એન્જિનમાં બેઠેલા એક વ્યક્તિએ ઈમરજન્સી સાધનો સાથે છેડછાડ કરી હતી અને તેનો લાઈવ વીડિયો પણ ફેસબુક પર શેર કર્યો હતો.
આ માહિતી મળતા જ રેલવે પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી. રેલ્વેએ આ ઘટના માટે જવાબદાર ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે, જ્યારે આરોપી વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ મામલો સોમવારે સાંજે રાજસ્થાનના દૌસા જિલ્લાના બાંડીકુઇ રેલ્વેનો છે. જયપુરથી આ સ્ટેશન પહોંચેલા આશ્રમ એક્સપ્રેસના લોકો પાયલટે ટ્રેનનું એન્જિન એક સંબંધીને સોંપ્યું હતું.
સુખરામે ફેસબુક પર પોતે ટ્રેન ચલાવતો લાઈવ વીડિયો શેર કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે સુરક્ષા સાધનો સાથે પણ છેડછાડ કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે તે દરમિયાન ટ્રેનમાં 800થી વધુ મુસાફરો હતા. મળતી માહિતી મુજબ, સંતોષના સંબંધી સુખરામની ટિકિટ કન્ફર્મ ન હતી, તેથી તેણે સુખરામને લોકો કેબિનમાં (એન્જિન) બેસાડી દીધો.
જયપુર ડિવિઝનલ રેલ્વેના જનરલ મેનેજર નરેન્દ્રએ જણાવ્યું હતું કે આ ઘટના પ્રકાશમાં આવતાની સાથે જ મુખ્ય લોકો પાયલટ સંતોષ, સહાયક લોકો પાયલટ મનીષ કુમાર અને પ્રદીપ મીણાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પોલીસે સુખરામ વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે. આ મામલાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું કે સુખરામની હરકતોને કારણે ટ્રેનમાં સવાર 800થી વધુ મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ શકે છે.