Tractor Trolley Filled With Devotees : ઉત્તર પ્રદેશના કાસગંજમાં આજે એક મોટો અકસ્માત થયો છે. શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં પલટી જતાં સાત બાળકો સહિત 24 લોકોના મોત થયા હતા.
આ ટ્રેક્ટર કાબુ બહાર જઈ તળાવમાં પલટી ગયું હતું. સ્થાનિક લોકોએ પ્રશાસનની મદદથી શોધખોળ શરૂ કરી હતી. લગભગ ત્રણ કલાકની શોધખોળ બાદ પણ ત્રણ લોકો મળી શક્યા ન હતા. ગોતાખોર તળાવમાં શોધ કરી રહ્યા છે. ઘાયલોને કાસગંજ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અકસ્માતનું કારણ :
જૈથરા પોલીસ સ્ટેશન વિસ્તારના નાગલા કાસા ગામના રહેવાસી લગભગ 54 લોકો શનિવારે સવારે ટ્રેક્ટર ટ્રોલીમાં ગંગામાં સ્નાન કરવા ગયા હતા. ટ્રેક્ટર લગભગ 9.30 વાગ્યે ગામથી નીકળ્યું હતું. લગભગ 10:30 વાગ્યે જ્યારે પોલીસ સ્ટેશન પટિયાલી વિસ્તારના દરિયાવગંજ ગામની બહાર પહોંચ્યું ત્યારે આ દરમિયાન ટ્રેક્ટરની સ્પીડ વધુ હોવાને કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને બેકાબૂ ટ્રેક્ટર રસ્તાની બાજુમાં આવેલા તળાવમાં ખાબક્યું. ટ્રોલીમાં મુસાફરી કરી રહેલા લોકોની ચીસો સાંભળીને આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા હતા.
24 લોકોના દુઃખદ મોત :
ગામના લોકો મદદ કરવા લાગ્યા. ટ્રોલીમાં મુસાફરી કરતા લોકોની સંખ્યા વધુ હતી અને તળાવની ઉંડાઈને કારણે ગામના લોકો વધુ મદદ કરી શક્યા ન હતા. થોડા લોકોને જ પાણીમાંથી બહાર કાઢી શકાયા. અકસ્માતની જાણ થતાં પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ એકઠા થયા હતા. કાસગંજના ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચ્યા અને 20 લોકોના મોતની પુષ્ટિ કરી. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બાળકો અને મહિલાઓનો સમાવેશ :
મૃતકોમાં સાત બાળકોનો પણ સમાવેશ થાય છે. હાલમાં ત્રણ લોકો એવા છે જેમનો કોઈ પત્તો લાગ્યો નથી. ગોતાખોરોની ટીમ પણ શોધખોળ કરી શકી નથી. તળાવ ખાલી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનાને કારણે એટા અને કાસગંજ જિલ્લામાં શોકનો માહોલ છે. અલીગઢના ડિવિઝનલ કમિશનર રવેન્દ્ર કુમારે જણાવ્યું કે અત્યાર સુધીમાં 22 લોકોના મોત થયા છે. 10 ગંભીર રીતે ઘાયલ છે. ટ્રેક્ટર ટ્રોલીમાં કુલ 54 લોકો મુસાફરી કરી રહ્યા હતા.