ધ ગ્રેટ ખલી આવ્યા રંગીલા રાજકોટની મુલાકાતે, ખુલ્લી જીપમાં કરી સવારી, ગણતરીની મિનિટોમાં જ પાણીપુરી અને સેવપુરીની પ્લેટો કરી ખાલી

રેસલિંગની દુનિયામાં એક મોટું નામ અને ભારતની શાન કહેવાતા વર્લ્ડ હેવી વેઇટ ચેમ્પિયન ધ ગ્રેટ ખલી હાલ ગુજરાતની મુલાકાતે છે. રવિવારના રોજ ખલીએ રંગીલા રાજકોટ શહેરની મુલાકાત લીધી હતી. જેના બાદ રાજકોટથી તેઓ રાત્રે 8 વાગ્યે અમદાવાદ જવા માટે રવાના થયા હતા.

રાજકોટની અંદર ધ ગ્રેટ ખલી ખુલ્લી જીપની અંદર સફર માણતા જોવા મળ્યા હતા. આ દરમિયાન જ રાજકોટ કાલાવડ રોડ ઉપર આવેલી એક દુકાનની અંદર ખલીએ પાણીપુરી ખાવાની મજા પણ માણી હતી. આ દુકાનની અંદર ખલીએ એક બે નહિ પરંતુ 10 પ્લેટ પાણીપુરી સાથે 5 પ્લેટ સેવ-દહીંપુરી પણ ખાધી હતી, એટલે કે 60 નંગ પાણીપુરી અને 25 નંગ દહીં-સેવપુરી આરોગી હતી. આ ઉપરાંત તેમને 500MLની  4 બોટલ પાણી પણ પીધું હતું.

ખલીએ રાજકોટ શહેરની અંદર ખુલ્લી જીપમાં ફરી અને રાજકોટ વાસીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું. ખલીનું રાજકોટમાં આવવાનું પણ એક ખાસ કારણ હતું, તેઓ રાજકોટની અંદર એક જિમના ઓપનિંગ માટે આવી પહોંચ્યા હતા. જિમ લોન્જ એના પ્લેટિનિયમ સેગમેન્ટની નવી આવૃત્તિની રાજકોટમાં પણ શરૂઆત થઇ હતી, જેને રાજકોટ વાસીઓ માટે ખુલ્લું મુકવા માટે ખલી રાજકોટમાં આવ્યા હતા.

ધ ગ્રેટ ખલી આ જિમના બ્રાન્ડ એમ્બેસેડર છે ત્યારે તેના ઓપનિંગ પ્રસંગે ખલીએ રાજકોટ વાસીઓને કેટલીક મહત્વની ટિપ્સ પણ આપી હતી. તેમને  જણાવ્યું હતું કે “આજે જ્યારે આખું વિશ્વ કોરોના જેવી ઘાતક બિમારી સામે લડી રહ્યું છે ત્યારે કસરત અને યોગ જ એક માત્ર સ્વસ્થ રહેવા માટેનો ઉપાય છે.”

તેમને આગળ એમ પણ જણાવ્યું કે, “જેથી હવે આપણે આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે સમય કાઢીને આવા સંપૂર્ણ પ્રોફેશનલ સાધનો અને સર્ટિફાઇડ ટ્રેનર હોય તેવા જિમની અંદર જઈ પોતાની જાતને સ્વસ્થ રાખવાનો સમય કાઢીશું તો જ અત્યારની અને આવનારી દરેક બિમારીઓથી સુરક્ષિત રહી શકીશું.”

રાજકોટ વાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવેલા આ જિમને લઈને ખલીએ જણાવ્યું હતું કે “આ જિમમાં અત્યાધુનિક કસરત માટેના સાધનો જિમ પ્રેમીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બોડી વેઇટ ટ્રેનિંગ, પર્સનલ ટ્રેનિંગ ઉપલબ્ધ કરાવવામાં આવશે તથા અહીં આવતા જિમ પ્રેમીઓને દરેક પ્રકારની કસરતને લગતી સુવિધા બાથ, સ્ટીમ બાથ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત કુશળ એવા સર્ટિફાઇડ ટ્રેનરો પણ જિમમાં રહી લોકોને કસરતની ટેકનિક શીખવશે. જરૂરી એવો ડાયટ પ્લાન પણ પ્રોવાઈડ કરાવવામાં આવશે.

પોતાની જાતને ફિટ રાખવા માટે ખલીએ જણાવ્યું હતું કે, “સવારે વ્હેલા ઉઠી જાવ, જંકફૂડ ખાવાનું બંધ કરો અને હેલ્ધી ફૂડ ખાઓ, શરીર ફિટ રહેશે. તમે ફીટ રહો અને અન્યોને પણ પ્રેરણા આપો.” આ ઉપરાંત ખલીએ રાજકોટના મેયરના પણ વખાણ કર્યા હતા, તેમને કહ્યું હતું કે રાજકોટના મેયર ફિટ છે. જુઓ ખલીનો પાણીપુરીનો સ્વાદ માણતો વીડિયો.

Niraj Patel