વડોદરાના સ્વામિનારાયણ મંદિરની બહાર થેલીઓમાં ભરીને નોનવેજ, ઈંડા, દારૂની બોટલ જેવો સામાન…

હિન્દૂ ધર્મની અંદર નોનવેજ અને ઈંડાનું સેવન કરવું વર્જિત છે, એમાં પણ સ્વામિનારાયણ ધર્મમાં તો ડુંગળી અને લસણ પણ વર્જિત માનવામાં આવે છે, ત્યારે હાલમાં એક એવી ઘટના સામે આવી છે જેને હોબાળો મચાવ્યો છે. વડોદરાના સ્વામિનારાયણ મંદિરની બાહર જ એક વ્યક્તિ કોથળીમાં ડુંગળી, નોનવેજ, ઈંડા અને દારૂની બોટલ નાખી જતા ભક્તોની લાગણી દુભાઈ છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને પ્રસાદીના સ્વામિનારાયણ મંદિરના પૂર્વ ગેટ તરફ કોઈ અજાણી વ્યક્તિ ઈંડા, નોનવેજ, પાઉં જેવો કચરો કોથળીમાં ભરીને નાખી જતા ભક્તોની લાગણી દુભાઈ હતી, જેને લઈને મંદિરના કોઠારી ઘનશ્યામ સ્વામીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.

ઘનશ્યામ સ્વામીએ પોતાની અરજીમાં જણાવ્યું કે, “વડતાલ દેશ ગાદીનું વડોદરા વાડી સ્વામિનાયણ સંપ્રદાયનું આ મંદિર આશરે 147 વર્ષથી અહીંયા સ્થાપિત છે. આ મંદિરની ચારેય બાજુમાં લઘુમતિ કોમની વસ્તી રહે છે. પરંતુ મંદિર અને આજુબાજુના તમામ લોકો સાથે અમારા સારા સંબંધો છે. પરંતુ આજે મંદિરના ટાવરના મુખ્ય દરવાજામાં કોઇ અજાણી વ્યક્તિ ઇંડા, બ્રેડ અને રસોડાનો કચરો ચાર થેલીમાં ભરીને નાખી ગયું. આ જગ્યાએ દારૂની બોટલ પણ છુટ્ટી પડી હતી. જેથી સંતો તથા ભક્તોની લાગણી દુભાઇ છે. આ કોઇએ પોતાની હિન ભાવના સંતોષવા માટે જ કરેલી કાર્યવાહી લાગી રહી છે.”

આ ઉપરાંત ઘનશ્યામ સ્વામીએ એમ પણ જણાવ્યું કે મંદિરની બહાર નો પાર્કિંગ હોવા છતાં પણ લોકો આડેધડ વાહનો પાર્કિંગ કરે છે અને મહિલાઓના મંદિર બહાર ભગવાનની મૂર્તિ છે ત્યાં પેશાબ પણ કરે છે. આ ઉપરાંત દીવાલ પાસે અભદ્ર વસ્તુઓ પણ નાખવામાં આવે છે, જેને લઈને યોગ્ય કાર્યવાહી કરવા માટે પણ સ્વામીએ વિનંતી કરી છે.

Niraj Patel