જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના સેનાપતિ ગણાતા સૂર્યદેવ અને ન્યાયના દેવતા શનિદેવ વચ્ચે પિતા-પુત્રનો સંબંધ હોવા છતાં બંને વચ્ચે કટ્ટર શત્રુતા માનવામાં આવે છે. હાલમાં જ સૂર્યના મીન રાશિમાં પ્રવેશ સાથે જ આ બંને પ્રભાવશાળી ગ્રહોની યુતિ સર્જાઈ છે, જે જ્યોતિષની દ્રષ્ટિએ અત્યંત ગંભીર અને કેટલીક રાશિઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. સૂર્ય જ્યારે ગુરુની સ્વામિત્વવાળી મીન રાશિમાં પહોંચ્યા છે, ત્યાં અગાઉથી જ શનિ અને શુક્ર બિરાજમાન હોવાથી ગ્રહોનો એક જટિલ સંયોગ રચાયો છે. આ અશુભ યુતિને કારણે અમુક રાશિના જાતકોએ આર્થિક અને માનસિક રીતે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

સિંહ રાશિ: સિંહ રાશિના જાતકો માટે આ સમય અત્યંત સાવધાની રાખવાનો રહેશે. આઠમા ભાવમાં સૂર્યની હાજરી અને કેતુનો પ્રભાવ હોવાથી સરકારી કામકાજ કે કાનૂની દસ્તાવેજોમાં મોટી ભૂલ થવાની સંભાવના છે. રોકાણ કે બેંકિંગને લગતા વ્યવહારોમાં ઉતાવળ કરવાથી આર્થિક પાયમાલી સર્જાઈ શકે છે, તેથી કોઈપણ કાગળ પર સહી કરતા પહેલા તેની પૂરતી તપાસ કરવી અનિવાર્ય છે.

તુલા રાશિ: તુલા રાશિના લોકો માટે કાર્યક્ષેત્રે ભારે દબાણ અને તણાવની સ્થિતિ ઉભી થશે. છઠ્ઠા ભાવમાં સૂર્યનું આગમન કામની જવાબદારીઓમાં અચાનક વધારો કરશે, જેના કારણે માનસિક થાક અનુભવાય. ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો કાર્યસ્થળ પર તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી શકે છે અને સહકર્મીઓ સાથેના સંબંધોમાં કડવાશ લાવી શકે છે, માટે ધીરજ રાખવી એ જ શ્રેષ્ઠ માર્ગ છે.

મીન રાશિ: મીન રાશિના જાતકો માટે તો આ સમય ‘દુકાળમાં અધિક માસ’ જેવો છે, કારણ કે આ રાશિમાં શનિની પનોતીનો બીજો તબક્કો પહેલેથી જ ચાલી રહ્યો છે અને હવે સૂર્ય-શનિની યુતિ પણ આ જ રાશિમાં થઈ છે. વ્યક્તિગત જીવનમાં મોટા ઉતાર-ચઢાવ આવી શકે છે અને પારિવારિક વિખવાદો વધવાની શક્યતા છે. આર્થિક મોરચે મોટું જોખમ લેવાનું ટાળવું જોઈએ અને વ્યવસાયિક નિર્ણયોમાં ખૂબ જ સતર્ક રહેવું જોઈએ.

મેષ રાશિ: મેષ રાશિના જાતકોએ પોતાના ખર્ચ પર લગામ કસવી પડશે. બારમા ભાવમાં આ ગ્રહ ગોચરને લીધે બિનજરૂરી અને અણધાર્યા ખર્ચાઓની હારમાળા સર્જાઈ શકે છે. ખાસ કરીને સ્વાસ્થ્ય પાછળ મોટો ધનખર્ચ થવાની સંભાવના છે, તેથી આર્થિક આયોજન ખૂબ જ સમજી-વિચારીને કરવું જરૂરી છે. નકામા ખર્ચાઓ તમારી આર્થિક સ્થિતિ ડગમગાવી શકે છે.
(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)
