આ ગુજરાતીનું દિલ પહોંચ્યું હતું યુક્રેનમાં, પરિવારે કર્યો હતો અંગદાનનો નિર્ણય, મહેંકી ઉઠી હતી માનવતા

આજે વર્લ્ડ હાર્ટ ડે છે ત્યારે ગુજરાતમાંથી ઘણા માનવતા મહેકાવતા કિસ્સાઓ સામે આવ્યા છે. ગુજરાતમાં ઘણા લોકો અંગદાન કરી અને ઘણા લોકોને નવું જીવન પણ આપ્યું છે, ખાસ કરીને આવી માનવતા સુરતમાંથી વધુ મહેંકતી જોવા મળી છે. જ્યાં સુરતમાં ઘણા લોકોના બ્રેઈન ડેડ થતા તેમના હૃદય અને બીજા અંગોના દાન કરવાના નિર્ણય કરવામાં આવતો હોય છે.

આવો જ એક ઘટના થોડા સમય પહેલા બની હતી, જેમાં સુરતના એક યુવકનું હાર્ટ યુક્રેનની યુવતીમાં ધબક્યું હતું. જેના કારણે યુવતીને પણ એક નવું જીવન મળ્યું હતું. વિશ્વ હાર્ટ ડે નિમિત્તે આ ઘટના ફરી ચર્ચામાં આવી છે.સુરતની ડોનેટ લાઈફ દ્વારા અત્યાર સુધી 36 લોકોના હૃદયનું દાન પણ કરવામાં આવ્યું છે. આજે આ ખાસ અવસર ઉપર તમને જણાવીશું કે સુરતના એક યુવકનું હૃદય યુક્રેનની યુવતીમાં કેવી રીતે પહોંચી ગયું.

પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2017માં મૂળ કામરેજના રવિનું અમદાવાદમાં અકસ્માતમાં બ્રેઇન ડેડ થયું હતું. જેના બાદ તેના પરિવાર દ્વારા તેના અંગોનું દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રવિનો પરિવાર પહેલા તો માત્ર કિડની આપવાનું વિચારી રહ્યા હતા, પરંતુ સુરતના ડોનેટ લાઈફ NGOના નિલેશભાઈ માંડલેવાલાનો સંપર્ક કરવાથી કિડની, હૃદય, આંખ, પેન્ક્રિયાઝ ફેફસાંનું પણ દાન કર્યું.

ત્યારે ભારતમાં જે રીતે લોકો અંગદાનને મહત્વ આપી રહ્યા છે તેને જોતા વિદેશના લોકો પણ ભારત સરકાર પાસે અંગદાન મેળવવા અપીલ કરતા હોય છે. જયારે ભારતમાં અંગદાનમાં આવેલા કોઈ અંગ ભારતના કોઈ વ્યક્તિને કામમાં ના આવે ત્યારે આવા કિસ્સાઓમાં વિદેશી લોકોમાં અંગદાન કરવામાં આવે છે. જે વિદેશીઓ ભારતમાં સારવાર લઇ રહ્યા હોય છે.

આવા જ એક કિસ્સામાં યુક્રેનની રહેવાસી નતાલિયાને રવિનું હૃદય ફાળવવામાં આવ્યું હતું. કારણ કે તે સમયે નતાલિયા ભારતની અંદર સારવાર લઇ રહી હતી અને તેને રવિનું હૃદય મળ્યું હતું. આજે પણ નતાલિયા રવિના હૃદય દ્વારા સ્વસ્થ જીવન જીવી રહી છે. આજે નતાલિયાને ખુશ જોઇને રવિના માતાપિતાને તેમનો રવિ જ ખુશ દેખાઈ રહ્યો છે.

આ બાબતે રવીના પિતાએ જણાવ્યું હતું કે જેમને હૃદય મળ્યું તે યુક્રેનની નતાલિયા સાથે તેમના પણ ગાઢ સંબંધ છે. અવારનવાર તેમની પરિવાર સાથે વાતચીત થયા કરે છે અને બંને એકબીજાનાં સુખ-દુઃખમાં સહભાગી બનવાનો પ્રયાસ કરે છે.આ ઉપરાંત રવિ દેવાણીનાં માતા-પિતાને નતાલિયાએ યુક્રેન પણ બોલાવ્યાં હતાં

Niraj Patel