22 જાન્યુઆરી 2024નો દિવસ અયોધ્યા અને સમગ્ર દેશ માટે ઐતિહાસિક બન્યો. આ દિવસે સમગ્ર દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દરેક વ્યક્તિ આ ક્ષણને માણી લેવા માટે આતુર હતી, ત્યારે આ વચ્ચે સુરતના એક હીરાના વેપારીના પુત્રના લગ્નની ઘણી ચર્ચા થઇ રહી છે. 22મી જાન્યુઆરીના રોજ થયેલ લગ્નને ખાસ બનાવવા અને જીવનભર યાદગાર બનાવવા વરરાજાએ ભગવાન શ્રીરામનો વેશ ધારણ કર્યો અને લગ્નવિધિ સંપન્ન કરી.
વરરાજાને રામના વેશમાં જોતા મહેમાનો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. આર્થિક રીતે સંપન્ન પરિવારના દીકરાએ ડિઝાઇનર મોંઘાં વસ્ત્રો છોડી ભગવાન રામનો પહેરવેશ ધારણ કર્યો હતો અને સનાતન સંસ્કૃતિને આગળ વધારવા માટે નિર્ણય લીધો હતો. દુલ્હન પણ સીતા બની માંડવે પહોંચી હતી. વરરાજા રાજ મોનપરા વ્યવસાયે લેબ્રોન ડાયમંડ જ્વેલરી બનાવવા સાથે સંકળાયેલ છે.
રાજે ભગવાન રામની માફક હાથમાં ધનુષ અને માથે મુગટ સાથે લગ્નમંડપમાં પ્રવેશ કર્યો. શુભમ જેમ્સના માલિક દિનેશ મોનપરાએ જણાવ્યું હતું કે 8 મહિના પહેલા 22મી જાન્યુઆરીના દિવસે દીકરાના લગ્ન નક્કી થયા પરંતુ જ્યારે 22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભગવાન રામલલાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તારીખ જાહેર થઈ, ત્યારે બધા ખુશ થઈ ગયા.
દીકરાના લગ્ન ખૂબ જ સારા દિવસે લેવાયા હોવાનો આનંદ જ કંઇક અલગ હતો. લગ્ન માટે રાજે ડિઝાઇનર કપડાં પણ નક્કી કરી લીધાં હતાં, પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસમાં જે રીતનો દેશભરમાં ભગવાન રામ પ્રત્યેનો આદરભાવ જોવા મળ્યો તે બાદ વિચાર આવ્યો કે રાજ પણ જો રામ બનીને લગ્નવિધિમાં જોડાય તો ખૂબ સરસ લાગશે.
ત્યારે રાજે પણ આ વાતે તૈયારી બતાવી અને ડિઝાઇનર કપડાંને બાજુ પર રાખી રામના પહેરવેશમાં રાજ લગ્નમંડપમાં આવ્યો અને લગ્નવિધિ સંપન્ન કરી. રાજને ભગવાન રામના વેશમાં જોઈ બધા ખુશ પણ થઇ ગયા હતા અને સાથે સાથે આશ્ચર્યમાં પણ મૂકાયા હતા.
View this post on Instagram