સુરતમાં રફતારનો કહેર, નશામાં ધૂત કારચાલકે રિક્ષા-બાઇક સહિત રાહદારીઓને લીધા અડફેટે…8 વર્ષનો માસૂમ ગંભીર ઘાયલ- એક વૃદ્ધાનું મોત
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હિટ એન્ડ રનની ઘટના સામે આવતી રહે છે તેમાં કેટલાક લોકોના મોત પણ થતા હોય છે. અમદાવાદમાં સર્જાયેલ તથ્ય કાંડને હજુ કોઇ ભૂલી નથી શક્યુ. ત્યાં સુરતના સરથાણા વિસ્તારમાંથી આવો જ એક મામલો સામે આવ્યો. નશામાં ચૂર જિતેન્દ્ર માલવિયા નામના કારચાલકે રિક્ષા, બાઈક અને ત્રણ રાહદારીને અડફેટે લેતા એક વૃદ્ધાનું મોત થયું હતું, જ્યારે 8 વર્ષનો બાળક ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો. જેની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
સરથાણા પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી કારચાલક સહિત બેની ધરપકડ કરી છે. પોલીસ સમક્ષ કબૂલ્યું કે, કારચાલક નબીરાએ કારમાં જ દારૂ પીધો હતો અને તે બાદ મિત્રને મૂકવા જતા બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવ્યુ હતું. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ જવા પામી હતી અને તેના આધારે ચકાસણી હાથ ધરવામાં આવી હતી.35 વર્ષીય કારચાલક જિતેન્દ્ર જસવંત માલવિયા મિત્રને કેનાલ રોડ પર મૂકવા જતો હતો અને નશામાં તેણે બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવી દીધુ.
આ કબૂલાત તેણે પોતે કરી હોવાનું કહેવાઇ રહ્યુ છે. ત્યારે અકસ્માત બાદ કાર્યવાહી કરતા સરથાણા પોલીસે જિતેન્દ્ર અને તેના મિત્ર નીરવની ધરપકડ કરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, 65 વર્ષીય ગૌરીબેન જીવરાજ ધોળકિયા કે જે સરથાણા જકાતનાકા પાસે રહેતાં હતા, તેઓ મંગળવારે સાંજે સરથાણા જકાતનાકા સ્વસ્તિક ટાવર પાસેથી પસાર થતાં હતાં તે દરમિયાન નશામાં ચૂર કારચાલકે તેમને અડફેટે લીધા અને વૃદ્ધ ગૌરીબેન, રિક્ષા અને બાઈક સહિત પાંચને ટક્કર મારી.
અકસ્માતને પગલે વૃદ્ધા અને 8 વર્ષીય બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. જો કે, ગંભીર ઈજાને પગલે ગૌરીબેનનું ઘટનાસ્થળે જ મોત થયું જ્યારે ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યો. હાલ તો બાળકની સારવાર ચાલી રહી છે. જો કે, અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. જિતેન્દ્ર મોટા વરાછા વિસ્તારમાં પરિવાર સાથે રહે છે અને ગ્રાફિક્સ ડિઝાઇનનું કામ કરે છે.