વધુ એક પરિવારે મહેકાવી માનવતા ! સુરતમાં 28 વર્ષીય બ્રેઈનડેડ મહિલાની બે કિડની, લીવર અને ચક્ષુઓના દાન દ્વારા 5ને મળ્યુ નવજીવન- ટવિન્સ ભાઈ બહેને માતા ગુમાવી
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બ્રેઇનડેડ થયેલા લોકોના પરિવાર દ્વારા અંગદાન કરવામાં આવતુ હોય છે અને સુરતમાંથી આવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. હાલમાં જ સુરતમાં રમતા રમતા પહેલા માળેથી નીચે પટકાયેલ 7 વર્ષિય બાળકને બ્રેઇનડેડ જાહેર કરાતા તેના ત્રણ અંગોનું દાન કરવામાં આવ્યુ હતુ ત્યારે વધુ એક અંગદાનનો મામલો સુરતમાંથી સામે આવ્યો છે. સુરત હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે.
પટેલ સમાજના કિકાણી પરિવાર દ્વારા 28 વર્ષીય બ્રેઇનડેડ મહિલાના અંગોનું દાન કરવામાં આવ્યુ અને સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. મૂળ અમરેલીના પુંજાપાદર ગામના અને સુરતના મોટા વરાછા ખાતે આવેલ શ્રી રેસીડેન્સીમાં રહેતા 28 વર્ષીય પીનલબેન કિકાણી ગત 24 માર્ચ 2024ના રોજ સવારે 10 વાગ્યે બાળકોને ટ્યુશનમાંથી મૂકીને ઘરે આવ્યા અને તે બાદ સાસુને ફરિયાદ કરી કે તબિયત ઠીક નથી લાગતી.
જો કે, એટલું કહી પોતાના બેડરૂમમાં જતી રહ્યા. પરંતુ જ્યારે બાળકોને ટ્યુશનમાંથી લેવા જવાનો સમય થયો ત્યારે સાસુએ જગાડવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ તે જાગ્યા નહિ અને દરવાજો પણ અંદરથી લોક હોવાથી ખુલ્યો નહિ. ત્યારે એક પાડોશીને બોલાવી અજુગતું લાગતા તાત્કાલિક દરવાજો તોડ્યો અને બેડરૂમની અંદર સાસુએ જોયું તો પીનલબેન ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં લાગ્યા. આ પછી તેમણે પહેલા બંને દીકરા મૌલિક અને યોગેશને ટેલિફોનિક જાણ કરી અને ઘરેથી તાત્કાલિક સુરત, વરાછા રોડ ખાતે પીપી માણીયા હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા.
અહીં પીનલબેનની પરિસ્થિતિ જોઇ ICUમાં દાખલ કરવામાં આવ્યા અને તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી. જો કે, આશરે 4 દિવસની સારવાર બાદ તેમને બ્રેઇનડેડ જાહેર કરાયા. તેમને સંતાનમાં ટ્વિન્સ છે, એક દીકરો અને એક દીકરી… ત્યારે હવે ટ્વિન્સ ભાઇ-બહેને માતા ગુમાવી છે. જણાવી દઇએ કે, પીનલબેનને બ્રેઇનડેડ જાહેર કરાતા દર્દીના મામા દ્વારા તેમના ભાઈ ડો.મુકેશ પડસાળાનો સંપર્ક કરવામાં આવ્યો.
તેમણે તાત્કાલિક જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પી.એમ. ગોંડલીયા, વિપુલ તળાવિયા, ડૉ. નિલેશ કાછડીયાનો સંપર્ક કર્યો. મામા પ્રદીપભાઈ પડસાળા, ડો. મુકેશભાઈ પડસાળા, દર્દીના જેઠ યોગેશભાઈ કિકાણી અને દર્દીના પિતા નંદલાલ કોલડીયા દ્વારા રાત્રે 2.30 વાગ્યે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ સાથે વિસ્તૃતમાં માહિતી મેળવી. આ સાથે ઘણી ચર્ચાઓ બાદ પરિવારના દરેક સભ્યોએ અંગદાન માટે સંમતિ આપી.
મામા અને ડૉ. મુકેશભાઈ પડસાળાએ સમગ્ર પરિવારને એક જૂથ કરી અંગદાન કરવા માટે પરિવારના સભ્યોને પ્રોત્સાહિત કર્યા. કિકાણી પરિવાર દ્વારા પીનલબેનની બંને કિડની, લીવર અને ચક્ષુઓના અંગોના દાન દ્વારા 5 લોકોને નવજીવન મળ્યું છે. લીવર અને બંને કિડની અમદાવાદ તેમજ બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેન્ક દ્વારા સ્વીકારવામાં આવ્યું. ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે એ માટે ગુજરાત પોલીસ દ્વારા સુરતથી અમદાવાદ 269 કિમીનો ગ્રીન કોરીડોરનો વિશેષ બંદોબસ્ત કરવામાં આવ્યો. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા 12મુ અંગદાન કરવામાં આવ્યું.