અમદાવાદમાંથી હાલમાં જ એક દુર્ઘટના સામે આવી હતી, જેમાં ગુજરાત યુનિવર્સિટી નજીક એસ્પાયર 2 નામની બિલ્ડિંગમાં કામ દરમિયાન લિફ્ટ તૂટતા 7 લોકોના મોત થયા હતા. આ ઘટનાએ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવી દીધી હતી. આ ઘટનાના વિચલિત કરતા CCTV ફુટેજ પણ સામે આવ્યા હતા. જોકે, હજુ તો આ ઘટનાના પડઘા શમ્યા નથી ત્યાં સુરતમાંથી આવી ઘટના પ્રકાશમાં આવી છે. બમરોલી-પાંડેસરા વિસ્તારમાં આવેલી નિર્માણાધીન પેલેડિયમ રેસિડેન્સીમાં 14માં માળે લિફ્ટ કામગીરી દરમિયાન બેનાં પટકાતાં મોત થયાં છે. એકનું બેલેન્સ લથડતાં બીજો તેને બચાવવા ગયો હતો
અને બંને પોતાના જીવથી હાથ ધોઇ બેઠા હતા. હાલ તો પોલિસની પ્રાથમિક તપાસમાં આ જ સામે આવ્યુ છે. ડીસીપી અનુસાર, પેલેડિયમ રેસિડેન્સીમાં આ ઘટના બની છે. આ આખી સોસાયટી હાલમાં બની રહી છે અને તેમાં લિફ્ટના સેટ-અપનું કામ ચાલતું હતું અને કામદાર કામ કરી રહ્યા હતા ત્યારે સ્ટૂલ પરથી બેલેન્સ લથડતાં એકને બચાવવા જતાં બીજો વર્કર પણ સાથે નીચે પટકાયો હતો, જેથી બંનેનાં મોત નિપજ્યા હતા. મૃતક આકાશ બોરસે મૂળ મહારાષ્ટ્રના જલગાવના સિરુડ ગામનો વતની છે અને નિલેશ પાટીલ સુરતમાં રહે છે. તેઓ લિફ્ટની કામગીરી સાથે સંકળાયેલા છે.
જ્યારે સવારે 10.30 વાગ્યે લિફ્ટના દરવાજા પાસે આકાશ સ્ટૂલ પર ચઢી ડ્રિલિંગનું કામ કરી રહ્યો હતો ત્યારે જ તેનું બેલેન્સ લથડ્યુ અને નિલેશ તેને બચાવવા જતા બંને નીચે પટકાયા અને બંનેના મોત નીપજ્યાં. મૃતક આકાશ સુરતમાં એકલો રહેતો હતો અને તેનો આખો પરિવાર વતનમાં રહે છે. જ્યારે મૃતક નિલેશના પરિવારમાં માત્ર પિતા અને એક નાનો ભાઈ છે. તે પણ સુરતમાં એકલો જ રહેતો હતો. બંને છેલ્લા બે જેટલા વર્ષથી લિફ્ટની કામગીરી કરતી કંપનીમાં કામ કરી રહ્યા હતા. બંનેના પરિવારને જાણ થતા મહારાષ્ટ્રથી સુરત આવવા રવાના થયા છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં બુધવારના રોજ એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં બાંધકામ દરમિયાન સાતમા માળેથી લિફ્ટ તૂટી હતી અને આઠ મજૂરો ઉપરથી નીચે પટકાયા હતા, જેમાંથી સાતના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલિસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી. ફાયર વિભાગે પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી પોલિસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટના ગુલબાઇ ટેકરા પાસેની છે.