ખબર

વડોદરાની સુમનદીપ હોસ્પિટલમાંથી હૃદય કંપાવી દેનારા દૃશ્યો આવ્યા સામે, પતિના મોત ઉપર જૂની વાતોને યાદ કરી ધ્રુસકે ધ્રુસકે રડી પત્ની

કોરોનાના પ્રકોપમાં લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, આ દરમિયાન ઘણા હૃદય દ્રાવક દૃશ્યો પણ સામે આવી રહ્યા છે. ત્યારે હાલ વડોદરાની સુમનદીપ હોસ્પિટલમાંથી એવા જ હૃદય કંપાવી દેનારા દૃશ્યો જોવા મળ્યા હતા.

વડોદરા શહેરના કોઠી ચાર રસ્તા પાસે આવેલી સુમનદીપ હોસ્પિટલમાં એક કોરોનગ્રસ્ત એન્જીનીયર યુવાનનું બેડ ઉપરથી પડી જવાના કારણે મોત થયું હતું. આ ઘટનાને લઈને પરિવારજનોએ ભારે હોબાળો પણ મચાવ્યો હતો.

તો બીજી તરફ મૃતકની પત્નીએ પતિ સાથે જૂની વાતોને યાદ કરીને હોસ્પિટલમાં જ હૈયાફાટ રુદન કર્યું હતું. મૃતકની પત્ની ખુશ્બુ કહી રહી હતી કે, “મારી ખુશ્બૂ તને મેકઅપ કરી આપું…. તને હેર ડાઇ કરી આપુ…. તને કયો મેકઅપ ગમે છે” આમ બોલતા બોલતા રડી રહેલી પત્નીને જોઈને હોસ્પિટલનું વાતાવરણ પણ ગમગીન બન્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના વાઘોડિયા ડભોઇ રિંગરોડ ઉપર પરિવાર ચાર રસ્તા પાસે આવેલા વૃંદાવન ફ્લેટમાં રહેતા 31 વર્ષીય યોગેશભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ પોતાની પત્ની ખુશ્બુ અને પરિવાર સાથે રહેતા હતા. તે વ્યવસાયે એન્જીનયર હતા અને પાદરા તાલુકામાં આવેલા કરખડી ગામે એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. યોગેશભાઈ પણ કોરોનાની મહામારીમાં સંડોવાયા હતા જેના બાદ તે હોમ ક્વોરેન્ટાઇન થઈને સારવાર લઇ રહ્યા હતા. પરંતુ 4 એપ્રિલના રોજ યોગેશની તબાઈયાત વધારે બગડવાના કારણે સુમનદીપ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ગઈકાલે સવારે જ બેડ ઉપરથી પડી જવાના કારણે અવસાન થયું હતું એવો આક્ષેપ યોગેશના પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

યોગેશના અવસાન બાદ પરિવારમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને હોસ્પિટલમાં ઘસી જઈને ભારે હોબાળો પણ મચાવ્યો હતો. પરિવારના સભ્ય સંકેતભાઈ મકવાણાએ મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “યોગેશભાઈ હોસ્પિટલમાં દાખલ કરતી વેળાએ રૂ. 50 હજાર ડીપોઝીટ ભરવામાં આવી હતી. ત્યાર બાદ હોસ્પિટલ દ્વારા દર્દી યોગેશના ફેફસામાં પ્રોબ્લેમ છે તેમ જણાવી રૂ. 40 હજારની કિંમતનું ઇન્જેક્શન આપવા માટે જણાવ્યું હતું. જે ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું હતું. દરમિયાન આજે સવારે હોસ્પિટલ માંથી ફોન આવ્યો હતો કે, યોગેશભાઈ બેડ ઉપરથી પડી જતા તેમનું મોત નિપજ્યું છે. વાતની જાણ થતા જ પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા.”

સંકેતભાઈએ હોસ્પિટલ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, “હોસ્પિટલના તબીબો અને સ્ટાફની નિષ્કાળજીના કારણે જ યોગેશભાઈનું મોત નિપજ્યું છે. હોસ્પિટલને માત્ર ને માત્ર નાણા લેવામાં જ રસ છે. પરંતુ દર્દીઓની કાળજી રાખવામાં કોઈ રસ નથી. હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા જેવી કોઈ સુવિધા નથી. યોગેશભાઈનું મોત ચોક્કસ કયા કારણોસર થયું છે તે જાણવા માટે અમો પોસ્ટમોર્ટમ કરવા માટે પોલીસને રજૂઆત કરી છે.”

ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી તો બીજી તરફ યોગેશની પત્ની ખુશ્બુના હૈયાફાટ રુદનના કારણે હોસ્પિટલમાં પણ હચમચાવી નાખે તેવું વાતાવરણ સર્જાયું હતું. ખુશ્બુ અને યોગેશના લગ્ન બે વર્ષ પહેલા જ થયા હતા અને આ દંપતી કેનેડા જવાની તૈયારીઓ પણ કરી રહ્યા હતા.