નવા વર્ષે જ બની દુઃખદ ઘટના: વૈષ્ણોદેવી મંદિરમાં અચાનક જ 12 લોકોના થયા મોત

આજથી હવે નવું વર્ષ ચાલુ થઇ ગયુ છે. પરંતુ નવુ વર્ષ શરૂ થતા જ એક દુખદ બનાવ સામે આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં કટરા સ્થિત વૈષ્ણોદેવી મંદિરમાં મોડી રાતે લગભગ 2.45 વાગ્યા આસપાસ ભાગદોડ મચી ગઇ હતી, જેમાં 12 લોકોનાં મોત નિપજયા છે અને 14થી વધારે લોકો ઘાયલ થયા છે, આ લોકોમાંથી 3 લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. તમામ ઘાયલોને સ્થાનિક નારાયણ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં મોટાભાગના લોકો દિલ્હી, હરિયાણા, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના છે, જે 12 લોકોના મોત નિપજ્યા છે તેમાં બે મહિલાનો પણ સમાવેશ થાય છે.

ઘટનાસ્થળે હાજર લોકોનું કહેવું હતું કે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ન હતી. મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. બહાર નીકળવા માટે કોઈ રસ્તો જ ન હતો. ઉલ્લેખનીય છે કે વૈષ્ણોદેવીની આ દુખદ ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે ટ્વીટર પર ટ્વીટ કરી હતી. વડાપ્રધાને રાજ્યપાલ મનોજ સિંહા, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ, કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય સાથે બનાવને લઈને વાતચીત કરી છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો છે. આ બનાવને લઇને કેન્દ્ર સરકારે મૃતકોનાં પરિવારજનોને રૂ. 2 લાખ અને ઘાયલોને 50 હજાર વળતર આપવાની જાહેરાત કરી છે. જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિંહાએ મૃતકોનાં પરિવારજનોને 10-10 લાખ રૂપિયા અને ઘાયલોને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ઘાયલોના સારવારનો ખર્ચ શ્રાઈન બોર્ડ ઉઠાવશે.

રાહુલ ગાંધીએ પણ માતા વૈષ્ણો દેવી ભવનમાં થયેલી નાસભાગ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વીટ કરી મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી હતી. તમને જણાવી દઇએ કે, નવા વર્ષ નિમિત્તે માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અહીં આવી પહોંચ્યા હતા. આ દરમિયાન નાસભાગ મચી ગઇ હતી અને ભીડમાં કેટલાક લોકોના મોતના સમાચાર સામે આવ્યા લાગ્યા, સૌથી પહેલા 7 લોકોના મોતના સમાચાર સામે આવ્યા અને આ પછી ધીરે ધીરે આ આંકડો વધતો ગયો.

અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. બચાવ કાર્ય ચાલુ છે. હજુ સુધી વહીવટીતંત્ર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.તમને જણાવી દઈએ કે દર વર્ષે નવા વર્ષ નિમિત્તે હજારો ભક્તો માતા વૈષ્ણો દેવીના મંદિરે પહોંચે છે. મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે દર વર્ષે ખાસ કાળજી લેવામાં આવે છે, પરંતુ શનિવારે સવારે થયેલી આ નાસભાગ અંગે સ્પષ્ટપણે કશું જાણકારી મળી નથી.

ભાગદોડના બનાવ અંગે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ હેલ્પલાઈન નંબર:

01991-234804

01991-234053

અન્ય હેલ્પલાઈન નંબર:

પીસીઆર કટરા- 01991232010/9419145182

પીસીઆર શાસન- 0199145076/9622856295

ડીસી કાર્યાલય કંટ્રોલ રૂમ- 01991245763/9419839557

Shah Jina