ઢગલબંધ ગાડીઓ તણાઇ, ઘણા લોકો લાપતા, અચાનક પૂર આવ્યું અને તબાહી મચી ગઈ, જુઓ તસવીરો

સ્પેનના પૂર્વ વિસ્તાર વેલેન્સિયામાં મુશળધાર વરસાદને કારણે ચારેબાજુ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સ્પેનમાં પૂરે તબાહી મચાવી છે જેના કારણે સ્થિતિ વણસી રહી છે અને લોકોની મુશ્કેલીઓ વધી છે. ભારે વરસાદના કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. એટલું જ નહીં પૂરના કારણે ઇમારતોમાં પણ પાણી ભરાઈ ગયા છે, વાહનો ધોવાઈ ગયા છે અને ઘણા લોકો ગુમ થયા છે.

સ્પેનિશ સરકારે આપેલી માહિતી અનુસાર, ભારે વરસાદને કારણે આવેલા અચાનક પૂર બાદ ઇમરજન્સી સર્વિસના કર્મચારીઓ દ્વારા અનેક મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. મંગળવારે સ્પેનના પૂર્વ અને દક્ષિણ ભાગોમાં મુશળધાર વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે ટ્રેન અને હવાઈ મુસાફરી પણ પ્રભાવિત થઈ છે. સ્પેનમાં આવેલા ભારે પૂરના કારણે ભયંકર તબાહી મચી ગઈ છે, ચારેબાજુ માત્ર પાણી જ પાણી છે. માહિતી અનુસાર, પૂરના કારણે 7 લોકો લાપતા થયા છે. પૂરના ભયંકર દ્રશ્યો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું કે, વેલેન્સિયામાં એક ટ્રક ડ્રાઈવર અને અન્ય છ લોકો ગુમ છે. કેસ્ટિલા-લા મંચામાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિ મિલાગ્રોસ ટોલને જણાવ્યું કે ડ્રોનની મદદથી ઇમરજન્સી સેવા કર્મીઓ લેતુરમાં ગુમ થયેલા લોકોને શોધવા માટે આખી રાત કામ કરશે. સ્પેનની કેન્દ્ર સરકારે કટોકટી સમિતિની રચના કરી છે જેમાં વાવાઝોડાની પરિસ્થિતીનો સામનો કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન પેડ્રો સાંચેઝે ટ્વિટર પર લખ્યું કે, “હું ગુમ થયેલા લોકોના અહેવાલો અને તાજેતરના કલાકોમાં તોફાનને કારણે થયેલા નુકસાનના અહેવાલો પર નજર રાખી રહ્યો છું.” તેમણે લોકોને અધિકારીઓની સલાહને અનુસરવા વિનંતી કરી. તેમણે કહ્યું, “તમે બધા સાવચેત રહો અને બિનજરૂરી પ્રવાસો ટાળો.”

ભારે વરસાદ અને ભારે પવનને કારણે વેલેન્સિયા એરપોર્ટ પર ઉતરતી 12 ફ્લાઈટને સ્પેનના અન્ય શહેરો તરફ ડાયવર્ટ કરી દેવામાં આવી છે. અન્ય 10 ફ્લાઇટ્સ કે જે એરપોર્ટ પરથી ઉપડવાની અથવા આવવાની હતી તે કેન્સલ કરી દેવામાં આવી છે. તેમજ વેલેન્સિયા પ્રદેશમાં જ્યાં સુધી મુસાફરોની સલામતી માટે પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તમામ રેલ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. મેડ્રિડથી અંદાલુસિયા જઈ રહેલી હાઈસ્પીડ ટ્રેન 276 મુસાફરોને લઈને પાટા પરથી ઉતરી ગઈ હતી પરંતુ રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.

Twinkle