પપ્પા, બસ એકવાર આવી જાવ…મોતની હકિકતથી અજાણ, શહીદ પિતાને આજે પણ વોઇસ કોલ કરે છે દીકરો- સાંભળી ભરાઇ આવશે આંખો
પપ્પા, બસ એકવાર આવી જાવ…આ વોઇસ મેસેજ 7 વર્ષના કબીરે તેના પિતા કર્નલ મનપ્રીત સિંહને મોકલ્યો છે અને એ પણ માતાથી છુપાઈને. પરંતુ કબીરને ખબર નથી કે હવે તેના પિતા ક્યારેય પાછા નહીં આવે. કબીર કર્નલ મનપ્રીત સિંહના નંબર પર વૉઇસ મેસેજ મોકલતો રહે છે, અને તેમને પાછા આવવાનું કહે છે. તે વારંવાર તેની માતાને વિડિયો કોલ પર તેના પિતા સાથે વાત કરવા કહે છે. જણાવી દઇએ કે, કર્નલ મનપ્રીત સિંહ ગયા વર્ષે 13 સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરમાં સંયુક્ત લશ્કરી કાર્યવાહી દરમિયાન શહીદ થયા હતા.
કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધોંચક, ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ જમ્મુ-કાશ્મીર હુમાયુ ભટ અને કોન્સ્ટેબલ પ્રદીપ સિંહ એન્કાઉન્ટરમાં શહીદ થયા હતા. કર્નલ મનપ્રીત સિંહની પત્ની જગમીતે એનડીટીવીને જણાવ્યું હતું કે બંનેએ મળી બે ચિનારના વૃક્ષો વાવ્યા હતા અને પ્રેમથી તેમના નામ પોતાના બાળકો કબીર અને વાણીના નામ પર રાખ્યા હતા. જગમીતે કહ્યું, “તેમણે (કર્નલ) કહ્યું હતું કે આ વૃક્ષો જોવા 10 વર્ષ પછી ફરી આવીશું. પરંતુ હવે…”
જગમીતે પંજાબના મોહાલીથી ફોન પર પીટીઆઈને કહ્યું કે- કર્નલ સિંહ કાશ્મીરમાં લોકોના જીવનને સારુ બનાવવા માટે કેટલા સંવેદનશીલ હતા. તેમણે પોતાના બાળકોને એ પણ સમજાવ્યુ કે તેઓ પાછા નહિ આવે. તેમણે કહ્યુ- ઘણીવાર મન (કર્નલ મનપ્રીત)ને રાતના અંધારામાં ફોન આવતા અને તે તરત જ ખાતરી કરતા કે તેમને મદદ પૂરી પાડવામાં આવે. રાત્રે હોસ્પિટલ જવું હોય કે પછી અન્ય કોઈ જરૂરિયાત…
જગમીતે જણાવ્યું કે તેના પતિને સ્થાનિક લોકો દ્વારા લગ્ન, બાળકોના જન્મ અને ઈદની ઉજવણી માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમની સાથેની છેલ્લી વાતચીતને યાદ કરતાં, જે 32 સેકન્ડ સુધી ચાલી હતી જગમીતે કહ્યું, “‘હું ઓપરેશનમાં છું’ તેમના અંતિમ શબ્દો હતા, ત્યારબાદ મેં તેમની સાથે ક્યારેય વાત નથી કરી.” કર્નલ મનપ્રીત સિંહ 19 રાષ્ટ્રીય રાઈફલ્સ (RR) યુનિટના કમાન્ડિંગ ઓફિસર હતા.