ગુજરાતમાંથી ઘણીવાર છેતરપીંડીના કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં અમદાવાદના હાથીજણમાં યોજાયેલા સમૂહલગ્નમાંથી પણ આવી જ એક ઘટના સામે આવી. જેમાં આયોજકોએ કરિયાવર ન આપતા વરપક્ષના લોકોએ હોબાળો મચાવ્યો હતો. અમદાવાદના હાથીજણ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ પાસે માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયુ હતુ અને આમાં 20થી વધુ નવદંપતિના લગ્ન યોજાયા હતા.
જેમાં કરિયાવરમાં 25થી વધુ વસ્તુઓ આપવાનો લગ્નની કંકોત્રીમાં ઉલ્લેખ કરાયો હતો, પણ સમૂહ લગ્નની વિધિ પૂર્ણ થયા બાદ કરિયાવર ન મળતાં વરપક્ષના લોકોએ હંગામો મચાવ્યો હતો. વરપક્ષના લોકોનો આક્ષેપ હતો કે આયોજકો કરિયાવર લઈને ફરાર થઇ ગયા છે અને આ સાથે જ દાવો કરાયો કે આયોજકો સવારથી જ સમૂહ લગ્નમાં જોવા મળ્યા ન હતા.
ઉલ્લેખનીય છે કે, સમૂહ લગ્નમાં કરિયાવરમાં 27 જેટલી અલગ અલગ વસ્તુ આપવાની હતી. આ સમૂહ લગ્નમાં 21 જોડાઓ સપ્તપદીના ફેરા પણ લઈ રહ્યા હતા. લગ્ન માટે જોડા પાસે 5100 રૂપિયા રજીસ્ટર પેટે ભરાવ્યા હતા. જેમાં આ પ્રકારની છેતરપીંડિની ઘટનાથી સૌ કોઈ લગ્ન કરનાર અને પરિવારજનો ચિંતિત છે. ત્યારે હવે કંકોત્રીમાં લખેલ કરિયાવર ન મળ્યો હોવાને કારણે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે.
તો બીજી બાજુ આયોજકો દ્વારા બચાવ કરવામાં આવ્યો છે કે દાતાઓએ દાન આપ્યું નથી અને હાલમાં આયોજકોને પોલીસ લઇ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, સમુહ લગ્નમાં આયોજકો કરિયાવર લઈને ગાયબ થઇ જતાં સ્થળ પર હંગામો મચી ગયો હતો.