ખબર વાયરલ

જો થોડી સેકન્ડ પણ મોડું થઇ ગયું હતું તો આ વૃદ્ધ મહિલાના રામ રમી ગયા હોત, જુઓ બહાદુર RPFના જવાને કેવી રીતે બચાવ્યો જીવ, વીડિયો વાયરલ

દેશભરમાં અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવે છે, ઘણી ઘટનાઓના વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવે છે, જેમાં ઘણા લોકો દેવદૂત બનીને લોકોના જીવ પણ બચાવતા જોવા મળે છે. ખાસ કરીને રેલવે સ્ટેશન ઉપર આવી દુર્ઘટનાઓ બનતી હોય છે અને આવી ઘટનાઓ સીસીટીવીમાં પણ કેદ થઇ જતી હોય છે.

હાલ એક આવો જ મામલો સામે આવ્યો છે ઉત્તર પ્રદેશના લલિતપુર સ્થિત રેલવે સ્ટેશથી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે રેલ્વે પોલીસ ફોર્સ (RPF)ના જવાન દેવદૂતના રૂપમાં વૃદ્ધ મહિલાને મોતના મુખમાંથી ખેંચીને બહાર લઇ આવ્યા.

આ વીડિયોમાં એક વૃદ્ધ મહિલા રેલવે ટ્રેક ક્રોસ કરીને પ્લેટફોર્મ પર ચઢવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. ત્યારે ત્યાં પ્લેટફોર્મ પર ઊભેલા એક આરપીએફ જવાનોની નજર પાછળથી ઝડપથી આવતી ટ્રેન પર પડે છે. તે પહેલા બૂમો પાડીને મહિલાને રોકવાનો પ્રયાસ કરે છે અને પછી તરત જ પ્લેટફોર્મ પર સૂઈને મહિલાને પોતાની તરફ ખેંચે છે. આમાં, ટ્રેન ખૂબ જ ઝડપે પાછળથી પસાર થતી પણ જોવા મળે છે.

આ વીડિયો જોઈને લાગે છે કે જો એક સેકન્ડનો પણ વિલંબ થયો હોત તો મહિલાનું મોત નિશ્ચિત હતું. જો કે, આરપીએફ જવાનની તત્પરતાને કારણે વૃદ્ધ મહિલાનો જીવ બચી ગયો હતો. આ ઘટના ત્યાંના રેલ્વે સ્ટેશન પર લાગેલા સીટીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેને રેલ્વે પોલીસ ફોર્સે ટ્વીટ કરી હતી.

વીડિયો શેર કરતાં RPFએ લખ્યું, ‘હિંમતભર્યું પગલું, લલિતપુર રેલ્વે સ્ટેશન પર, હેડ કોન્સ્ટેબલ કમલેશ કુમાર દુબેએ પોતાનો જીવ જોખમમાં મૂકીને એક વૃદ્ધ મહિલાને ટ્રેનની અડફેટે આવતી બચાવી લીધી.’ સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો વાયરલ થતા જ લોકો આ પોલીસ જવાનની ખુબ જ પ્રસંશા પણ કરી રહ્યા છે.