દિલ્લી કેપિટલને લાગ્યો મોટો ફટકો, આવતી મેચ નહિ રમી શકે રિષભ પંત, આ કારણે થયો સસ્પેન્ડ.. જાણો સમગ્ર મામલો

આખરે એવું તો શું થયું કે રિષભ પંતને 1 મેચ માટે કરવામાં આવ્યો બેન ? લોકપાલને પણ કરી અરજી છતાં ના બદલાયો નિર્ણય, જુઓ

Rishabh Pant banned for one match : દિલ્હી કેપિટલ્સે IPL 2024માં જોરદાર પુનરાગમન કર્યું છે અને ટીમ પ્લેઓફની રેસમાં મજબૂત છે. ટીમને હવે તેની છેલ્લી 2 મેચ રમવાની છે અને આ બે મેચમાં જીત સાથે તે પ્લેઓફમાં જગ્યા મેળવી શકે છે. ટીમની આગામી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે છે પરંતુ આ મેચ પહેલા જ દિલ્હીને જોરદાર ફટકો પડ્યો છે. BCCIએ ટીમના કેપ્ટન ઋષભ પંત પર એક મેચનો પ્રતિબંધ લગાવી દીધો છે. આ કારણે પંત હવે બેંગલુરુ સામેની મેચ રમી શકશે નહીં. પંત ઉપરાંત તેના સાથી ખેલાડીઓ પર પણ BCCI દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે.

12 મે રવિવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેંગલુરુ અને દિલ્હી વચ્ચે મેચ રમાવાની છે, પરંતુ તેના એક દિવસ પહેલા જ દિલ્હીને આ ખરાબ સમાચાર મળ્યા. IPL તરફથી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીના કેપ્ટન પંતને ટીમના સ્લો ઓવર રેટના કારણે આ સજા મળી છે. દિલ્હીની ટીમે આ સિઝનમાં ત્રીજી વખત આ ભૂલ કરી છે.

નિયમો અનુસાર, પહેલી અને બીજી વખત આવી ભૂલ કરવા પર, કેપ્ટન અને ટીમને માત્ર દંડ ભરવો પડે છે, પરંતુ ત્રીજી વખત પુનરાવર્તન કર્યા પછી, કેપ્ટન પર સીધો પ્રતિબંધ મૂકવામાં આવે છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ધીમી ઓવર રેટના કારણે મેચ રેફરીએ પંતને આ સજા આપી હતી. પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીએ આ નિર્ણય સામે અપીલ કરી હતી, ત્યારબાદ BCCI લોકપાલે તેના પર વર્ચ્યુઅલ સુનાવણી કરી હતી.

અહીં પણ દિલ્હી અને પંતને રાહત ન મળી કારણ કે લોકપાલે રેફરીના નિર્ણયને યોગ્ય ગણાવ્યો અને તેને યથાવત રાખ્યો. આ રીતે, એક મેચના સસ્પેન્શન સિવાય, પંત પર 30 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. માત્ર પંત જ નહીં, પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ અન્ય ખેલાડીઓ અને ઈમ્પેક્ટ પ્લેયરોને પણ 12 લાખ રૂપિયા અથવા મેચ ફીના 50 ટકા (જે ઓછું હોય તે) દંડ ફટકારવામાં આવ્યો છે.

Niraj Patel