ગુજરાતમાંથી ઘણીવાર એવા બનાવ સામે આવતા હોય છે કે કોઇ ખુશીનો પ્રસંગ અચાનક માતમમાં ફેરવાઇ જાય છે. કોઇ લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ લેતા લેતા અથવા તો ગરબા ગાતા ગાતા કોઇનું અચાનક હાર્ટ એટેક આવવાના કિસ્સા આપણે કેટલાક સાંભળ્યા છે, ત્યારે હાલ આવો જ કિસ્સો ગુજરાતના રાજકોટમાંથી સામે આવ્યો છે. લગ્ન પ્રસંગ પૂર્વે દાંડિયા રાસ લેતા વરરાજાની માતાનું મોત થઇ ગયુ જેના કારણે લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો. વરરાજાની માતાને દાંડિયા રમતા રમતા અચાનક શ્વાસ ઉપડ્યો હતો, જેના કારણે તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતુ.
ઘટનાની વિગત તપાસીએ તો, રાજકોટના હસનવાડીમાં રહેતા લત્તાબેન સાપરિયા કે જેઓ 50 વર્ષના છે. તેમના દીકરા દિપકના ગઇકાલના રોજ લગ્ન હતા અને તેને કારણે પરિવારજનો 15 દિવસથી રાજકોટ રોકાયા હતાં. રવિવારે સવારે મિલન હોલ ખાતે દિપકના લગ્ન યોજાયા હતા. એ પૂર્વે દાંડિયારાસ બાદ માતા લત્તાબેનને શ્વાસ ચડતાં તેમની તબિયત બગડી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પણ મોડી રાતે તેમણે સારવાર દરમિયાન જ દમ તોડી દીધો હતો. આ બનાવથી પરિવારજનો પણ પણ સ્તબ્ધ થઇ ગયા હતા.

મૂળ અમદાવાદના ચાંદખેડા રાજીવનગર વિસ્તારમાં રહેતા લત્તાબેનના દીકરા દિપકના રાજકોટમાં લગ્ન યોજાયા હતા. પરંતુ સારવાર દરમિયાન દિપકની માતાએ દમ તોડી દેતા પરિવારની ખુશી કલ્પાંતમાં પરિણમી હતી. લત્તાબેનને દીકરો ઉપરાત એક દીકરી પણ છે, જે રાજકોટમાં સાસરે રહે છે. હાલ બનાવથી સાપરિયા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. ભક્તિનગર પોલીસે બનાવ અંગે ગુનો નોંધી મહિલાનું પોસ્ટમોર્ટમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, ગઇકાલે સવારે એક તરફ લગ્ન વિધિ ચાલુ હતી તો બીજી તરફ કેટલાક સ્વજનો પોસ્ટમોર્ટમ રૂમ પર હાજર હતા. વરરાજાને તો તેમની માતાના નિધનથી અજાણ રખાયા હતા અને સાદગી પૂર્વક લગ્ન આટોપી લેવામાં આવ્યા હતા.